5

1 જ્યારે ઈસુએ ટોળાબંધ લોકોને જોયા, ત્યારે તેઓ પહાડ પર ચઢી ગયા. ત્યાં તેઓ બેસીને તેમના અનુયાયીઓને શીખવવા લાગ્યા. તેઓ તેમને સાંભળવા માટે તેમની પાસે આવ્યા. 2 પછી તેઓએ તેમને શીખવવાનું શરૂ કરતાં કહ્યું,

3 "જે લોકો એવું સ્વીકારે છે કે તેઓને ઈશ્વરની જરૂર છે તેઓ પર ઈશ્વર પ્રસન્ન છે;
તેઓ પર રાજ કરવા તેઓ સ્વર્ગમાંથી સંમત થશે.
4 જે લોકો આ પાપી દુનિયાને કારણે શોક કરે છે તેઓ પર ઈશ્વર પ્રસન્ન છે;
તેઓ તેમને ઉત્તેજન આપશે.
5 જે લોકો નમ્ર છે તેઓ પર ઈશ્વર પ્રસન્ન છે;
ઈશ્વર જે નવી પૃથ્વી બનાવશે તેમાં તેઓ વતન પામશે.
6 જે લોકો, જેમ કોઈ કશું ખાવાની અને પીવાની ઇચ્છા રાખે તેમ ન્યાયી રીતે જીવવાની ઇચ્છા રાખે છે તેઓ પર ઈશ્વર પ્રસન્ન છે;
તેઓ તેમને ન્યાયી રીતે જીવવા શક્તિમાન કરશે.
7 જે લોકો બીજાઓ પ્રત્યે ભલાઈથી વર્તે છે તેઓ પર ઈશ્વર પ્રસન્ન છે;
ઈશ્વર તેમની સાથે ભલાઈથી વર્તશે.
8 ઈશ્વર એવા લોકો પર પ્રસન્ન છે જેઓ માત્ર એ જ કરે છે જે ઈશ્વરને પસંદ છે;
એક દિવસ તેઓ ઈશ્વરની સમક્ષતામાં હશે અને તેમને જોશે.
9 જે લોકો બીજા લોકોને શાંતિથી જીવવા સહાય કરે છે તેઓ પર ઈશ્વર પ્રસન્ન છે;
ઈશ્વર તેઓને તેમનાં પોતાનાં બાળકો જેવા ગણશે.
10 જે લોકો ન્યાયીપણાથી જીવે છે તેઓ પર ઈશ્વર પ્રસન્ન છે; જ્યારે તેઓના ન્યાયી જીવનના લીધે દુષ્ટ લોકો તેઓનું અપમાન કરે અને તેઓની સાથે ખરાબ રીતે વર્તે; ત્યારે ઈશ્વર માન પામે છે.
આ ન્યાયી લોકો પર ઈશ્વર સ્વર્ગમાંથી રાજ કરે છે.
11 જ્યારે લોકો તમારી નિંદા કરે ત્યારે ઈશ્વર તમારા પર પ્રસન્ન થાય છે અને જ્યારે તેઓ તમારી વિરુદ્ધ દુષ્ટ બાબતો કરે અને તમારા વિષે જુઠું બોલે ત્યારે ઈશ્વરને તમારાથી માન મળે છે.
12 જ્યારે તે પ્રમાણે થાય, ત્યારે તમે આનંદ કરો અને હરખાઓ, કારણ કે ઈશ્વર તમને સ્વર્ગમાં મોટો બદલો આપશે. યાદ રાખો, તે જ રીતે તેઓએ ઘણા સમય અગાઉ થઇ ગયેલા પ્રબોધકોને સતાવ્યા હતા.

13 મીઠું ખોરાક માટે જે કાર્ય કરે છે, તે જ બાબત તમે જગત માટે કરશો. પરંતુ જો મીઠું તેનો સ્વાદ ગુમાવે, તો કોઈ તેને ફરી સ્વાદિષ્ટ કરી શકતું નથી. લોકો તેને નાખી દે છે અને તેના પર થઇને ચાલ્યા જાય છે. 14 અંધકારમાં રહેલા લોકો માટે પ્રકાશ જે કાર્ય કરે છે તે જ બાબત તમે જગત માટે કરશો. જેવી રીતે સર્વ લોકો ટેકરી પર બાંધેલા નગરને જુએ છે, તેવી જ રીતે તેઓ તમને જોશે. 15 દીવો સળગાવ્યા પછી, લોકો કદી તેને ટોપલા નીચે મૂકતા નથી. તેના બદલે, તેઓ તેને દીવી પર મૂકે છે કે જેથી ત્યાં જે સર્વ લોકો છે તેમને તે પ્રકાશ આપે. 16 એ જ રીતે, તમારે જે યોગ્ય છે તે એવી રીતે કરવું જોઈએ કે બીજા લોકો જોઈ શકે કે તમે શું કરો છો. જ્યારે તેઓ જોશે, ત્યારે તેઓ તમારા સ્વર્ગમાંના પિતાની સ્તુતિ કરશે."

17 "ઈશ્વરે મૂસાને જે નિયમો આપ્યા અથવા પ્રબોધકોએ જે લખ્યું તેનો નાશ કરવા હું આવ્યો છું એમ ન માનો. તેના બદલે, તેમાં લખ્યા પ્રમાણે જે બાબતો થશે તેને પૂર્ણ કરવા હું આવ્યો છું. 18 આ વાત સાચી છે: ઈશ્વર કદાચ આકાશ તથા પૃથ્વીને દૂર કરે, પરંતુ જ્યાં સુધી ઈશ્વરે નિયમમાં જે બનવા વિષે કહ્યું તે નહિ થાય ત્યાં સુધી ઈશ્વર તે નિયમોમાંથી કંઈપણ રદ કરશે નહીં, જે નાનામાં નાની વિગતો છે તેને અથવા વાક્યને અંતે મૂકવામાં આવેલા પૂર્ણવિરામ ચિહ્નને પણ ઈશ્વર દૂર નહીં કરે. 19 કારણ કે આ સાચું છે, કે જ્યારે તે આજ્ઞાઓમાંની ઓછા મહત્વની કોઈ આજ્ઞાનું તમે ઉલ્લંઘન કરો છો, તો તમે સ્વર્ગમાંથી ઈશ્વરના રાજ્યમાં ઓછા મહત્વની વ્યક્તિ થશો. પરંતુ જો તમે તે સર્વ આજ્ઞાઓ પાળો અને જેમ તમે ઈશ્વરની આજ્ઞાઓને આધીન થાઓ છો તેમ કરવા જો બીજાઓને શીખવશો, તો સ્વર્ગમાંથી ઈશ્વરના રાજ્યમાં તમે ખૂબ મહત્વની વ્યક્તિ બનશો. 20 હું તમને કહું છું કે નિયમના શિક્ષકો કરતાં વધારે સારી રીતે તમારે આ નિયમોનું પાલન કરવું પડશે અને તમારે તમારું હૃદય કહે તે પ્રમાણે યોગ્ય કરવું પડશે. તમારે ફરોશીઓ કરતાં સારું કરવું પડશે નહિ તો તમે આકાશમાંના ઈશ્વરના શાસન નીચે કદી નહીં આવો.

21 "ઈશ્વરે આપણા પૂર્વજોને જે કહ્યું હતું તે બીજાઓએ તમને જણાવ્યું છે કે, 'તમારે કોઈની હત્યા કરવી નહીં', અને, 'જો તમે કોઈની હત્યા કરો, તો ન્યાય કરનાર સભાના સભ્યો તમને મરણ દંડ આપે.' 22 પરંતુ હું તમને કહું છું કે જો તમે કોઈના પર ગુસ્સે થાઓ, તો ઈશ્વર પોતે તમારો ન્યાય કરશે. જો તમે કોઈને કહો, 'તું નકામો છે', તો ન્યાયસભા તમારો ન્યાય કરશે. જો તમે કોઈને કહો, 'તું મૂર્ખ છે', તો ઈશ્વર તમને નર્કના અગ્નિમાં નાંખી દેશે. 23 તેથી જ્યારે તમે ઈશ્વર માટે વેદી પર તમારી ભેટ લઇને જાઓ, ત્યારે જો તમને યાદ આવે કે તમે કોઈની સાથે ખોટું વર્તન કર્યું છે, 24 તો તમારી ભેટ વેદી પાસે મૂકો અને પ્રથમ તો જે વ્યક્તિ સાથે તમે ખોટું વર્તન કર્યું છે તેની પાસે જાઓ. તે વ્યક્તિને કહો કે, "મેં જે કર્યું છે તેના માટે હું દિલગીર છું," અને તેને વિનંતી કરો કે તે તમને માફ કરે. પછી પાછા ફરો અને ઈશ્વરને તમારી ભેટ ચઢાવો. 25 કંઇક ખોટું કરવાના લીધે જો તમારો સાથી નાગરિક તમને ન્યાયાલયમાં લઇ જાય કે તે તમારા પર આરોપ મૂકે, તો જ્યારે તમે ન્યાયાલયના રસ્તા પર તે વ્યક્તિ સાથે ચાલતા હો, ત્યારે જલદી તેની સાથે સમજૂતી કરી લો. હજુ જ્યાં સુધી તમારી પાસે સમય છે ત્યાં સુધી તેમ કરી લો કે જેથી તે તમને ન્યાયાલય ન લઇ જાય, કારણ કે કદાચ જો ન્યાયાધીશ કહે કે તમે અપરાધી છો અને તમને જેલના અધિકારીને સોંપી દે, અને તે જેલનો અધિકારી તમને જેલમાં પૂરી દે. 26 આ બાબતનું ધ્યાન રાખો: જો તમે જેલમાં જાઓ, તો તમે કદી બહાર નહિ આવી શકો કારણ કે ન્યાયાધીશ તમને જે સર્વ કહેશે કે જેના તમે ઋણી છો તે તમે કદી ભરપાઈ નહિ કરી શકો. તેથી એ યાદ રાખો કે તમે તમારા ભાઈઓ સાથે શાંતિમાં રહો."

27 "ઈશ્વરે આપણા પૂર્વજોને જે કહ્યું તે તમે સાંભળ્યું છે કે, 'વ્યભિચાર કરશો નહિ. 28 પરંતુ હું તમને જે કહું છું તે આ છે: જો કોઈ પુરુષ સ્ત્રીની સામે વાસનાભરી નજરે જુએ છે, તો ઈશ્વર ગણશે કે તેણે તે સ્ત્રી સાથે મનમાં વ્યભિચાર કર્યો છે. 29 જો અમુક બાબતો તરફ જોવા દ્વારા તમને પાપ કરવાની ઇચ્છા થાય, તો તે તરફ જોવાનું બંધ કરો. જો કે તમારે તમારી બંને આંખોનો નાશ કરવો પડે, અને જો તેના દ્વારા તમે પાપ ટાળવા માટે સક્ષમ બનો તો તેમ કરો. તમે બંને આંખે જોઈ શકો છતાં ઈશ્વર તમને નર્કમાં નાંખે તે કરતાં અંધ થઈ અને પાપ કરતા અટકવું તે વધારે સારું છે. 30 અને જો તમારો હાથ તમને પાપ કરવા દોરે તો, તમારા હાથનો ઉપયોગ કરવાનું બંધ કરો. જો તમારે તમારા હાથને કાપીને નાંખી દેવો પડે, અને જો તેના દ્વારા તમે પાપ ટાળવા માટે સક્ષમ બનો તો તેમ કરો. ઈશ્વર તમારું આખુ શરીર નર્કમાં નાંખે તેના કરતાં તમારા શરીરના કોઈ ભાગનો નાશ થાય તે સારું છે.

31 "ઈશ્વરે શાસ્ત્રમાં કહ્યું છે, 'જો કોઈ પુરુષ તેની પત્નીને છૂટાછેડા આપે, તો તે દસ્તાવેજ લખે કે જેમાં તે કહે કે તે તેને છૂટાછેડા આપે છે.' 32 પરંતુ હવે હું તમને જે કહું છું તે સાંભળો: જો તેની પત્નીએ વ્યભિચાર કર્યો હોય તો તે માણસ તેની પત્નીને છૂટાછેડા આપે. જો પુરુષ તેની પત્નીને બીજા કોઈ કારણસર છૂટાછેડા આપે, અને જો તે બીજા કોઈ પુરુષ સાથે લગ્ન કરે તો તે વ્યભિચાર કરે છે. અને જે પુરુષ તેની સાથે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે."

33 "તમે એમ પણ સાંભળ્યું છે ઘણા સમય અગાઉ લોકોને કહેવામાં આવ્યું હતું કે, 'જૂઠા સોગંદ ખાઈને તમારે પ્રતિજ્ઞા લેવી નહીં' તેના બદલે, પ્રભુ પોતે તમારી આગળ ઊભા હોય તેવું સમજીને તમારે તમારું વચન આપવું.' 34 પરંતુ હવે હું તમને કંઇક વધારે કહીશ: કોઈપણ કારણસર સોગંદ ખાશો નહીં! તમારા વચનની ખાતરી માટે સ્વર્ગ કે જ્યાં ઈશ્વર રહે છે, જે તેમના મહાન સામર્થ્યની જગ્યા છે અને જ્યાંથી તેઓ રાજ્ય કરે છે તેને વિશે કહેશો નહીં. 35 અને કોઈ શપથની સોગંદ લેતાં એમ ન કહો કે પૃથ્વી તેની સાક્ષી આપશે. એમ ન કરો, કારણ કે પૃથ્વી તો ઈશ્વરનું પાયાસન છે. યરુશાલેમ શહેરના નામે પણ શપથ ન લો, કારણ કે યરુશાલેમ તો ઈશ્વર, આપણા મહાન રાજાનું શહેર છે. 36 વળી, એવું વચન ન આપો કે તમે આમ કરશો અને પછી એમ કહો કે જો તમે તેમ ન કરી શકો તો તેઓ તમારું માથું કાપીને લઇ જાય. જ્યારે તમે તો તમારા માથાના એકે વાળનો રંગ બદલવા પણ શક્તિમાન નથી ત્યારે તમે કંઇક અગત્યની બાબત માટે કેવી રીતે વચન આપી શકો? 37 જો કંઈ કરવા બાબતે તમે કહો, તો માત્ર એમ જ કહો કે 'હા, હું કરીશ', અથવા 'ના, હું નહીં કરું'. જો તે સિવાય તમે કંઈ વધારે કહો તો શેતાન, જે દુષ્ટ છે, તે તમને તે વાત કરવા સૂચવે છે." 38 "તમે સાંભળ્યું છે કે આપણા પૂર્વજોને કહેવામાં આવ્યું હતું, 'જો કોઈ તમારી એક આંખને હાનિ પહોંચાડવા પ્રયત્ન કરે, તો તેઓએ તે વ્યક્તિની એક આંખને હાનિ પહોંચાડવી. અને જો કોઈ તમારા એક દાંતને હાનિ પહોંચાડે, તો તેઓએ તે વ્યક્તિના એક દાંતને હાનિ પહોંચાડવી.' 39 પરંતુ હવે હું તમને જે કહું છું તે સાંભળો: જે કોઈ તમને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે તેની પાસે બદલો લેવાનો તો દૂર, તેને તેમ કરતાં રોકવાનો પણ પ્રયત્ન ના કરશો. તેના બદલે, જો કોઈ એક ગાલ પર તમાચો મારી તમારું અપમાન કરે, તો તેની સામે બીજો ગાલ ધરો કે તે તેના પર પણ તમને તમાચો મારી શકે. 40 જો કોઈ તમારો ઝભ્ભો મેળવવા માટે તમને ન્યાયાલયમાં લઇ જાય, તો તે વ્યક્તિને તે ઝભ્ભો અને જે તમારા માટે વધારે કિંમતી હોય તે ઉપવસ્ત્ર બંને આપો. 41 અને જો રોમન સૈનિક તને તેની સાથે એક માઈલ લઇ જવા ચાહે અને તેનો સામાન ઊંચકાવવા બળજબરી કરે, તો તેની સાથે બે માઈલ જાઓ. 42 વળી, જો કોઈ તમારી પાસે કંઈ માંગે, તો તેને તે આપો. જો કોઈ તમારી પાસે ઉછીનું માંગે, તો જાઓ અને તેને તે ઉછીનું આપો."

43 "તમે સાંભળ્યું છે કે ઈશ્વરે આપણા પૂર્વજોને કહ્યું, 'તમારા સાથી ઇઝરાયલીઓને પ્રેમ કરો અને બિન-યહૂદીઓ, કે જેઓ તમારા શત્રુઓ છે તેમને ધિક્કારો.' 44 પરંતુ હવે હું જે કહું છું તે સાંભળો: તમારા મિત્રોને તથા તમારા શત્રુઓને પણ પ્રેમ કરો, અને જેઓ તમને હેરાન કરે છે તેઓને માટે પ્રાર્થના કરો. 45 આ પ્રમાણે કરો કે જેથી તમે તમારા પિતા કે જેઓ સ્વર્ગમાં છે તેઓના જેવા થાઓ. તેઓ સર્વ લોકો સાથે દયાળુપણે વર્તે છે. ઉદાહરણ તરીકે, તેઓ સૂર્યને સારા અને દુષ્ટ બંને પર સમાન રીતે પ્રકાશવા દે છે, અને જેઓ તેમના નિયમો પાળે છે અને જેઓ નથી પાળતા તેવા બંને લોકો પર તેઓ વરસાદ મોકલે છે. 46 જો તમે માત્ર એવા જ લોકોને પ્રેમ કરો કે જેઓ તમને પ્રેમ કરે છે, તો ઈશ્વર તમને કોઈ બદલો આપશે તેવી જરા પણ અપેક્ષા ન રાખો! દાણીઓ જેવા લોકો કે જેઓ ભયંકર બાબતો કરે છે, તેઓ પણ જેઓ તેમને પ્રેમ કરે છે તેઓ પર પ્રેમ રાખે છે. તમારે તેમના કરતા સારી રીતે વર્તવું જોઈએ! 47 હા, અને જો તમે માત્ર તમારા મિત્રોને જ સલામ કરો અને ઈશ્વર તેઓને આશીર્વાદ આપે એવી જો પ્રાર્થના કરો, તો તમે બીજા લોકો કરતાં સારી રીતે વર્તતા નથી. વળી બિન-યહૂદીઓ કે જેઓ ઈશ્વરનો નિયમ જાણતા નથી, તેઓ પણ એવું જ કરે છે! 48 તેથી તમારે તમારા સ્વર્ગમાંના પિતા ઈશ્વર કે જેઓ તમને સંપૂર્ણપણે વિશ્વાસુ છે, તેવી જ રીતે તમારે તેમને સંપૂર્ણપણે વિશ્વાસુ રહેવું."