6

1 "ખાતરી રાખો કે જ્યારે તમે સારા કાર્યો કરો ત્યારે લોકો તમને તે કરતા જુએ તે હેતુથી ન કરો. જો સારાં કાર્યો કરવા માટે તમારો હેતુ એવો હોય, તો ઈશ્વર, તમારા પિતા કે જેઓ સ્વર્ગમાં છે, તેઓ તમને કંઈ જ બદલો આપશે નહીં. 2 તેથી જ્યારે તમે ગરીબને કંઈ આપો, ત્યારે તમે રણશિંગડું વગાડતા હો તેમ બીજા લોકોને જાણ ન કરો. ઢોંગી લોકો સભાસ્થાનોમાં અને મુખ્ય રસ્તાઓ પર આમ જ કરે છે કે જેથી લોકો તેમની પ્રશંસા કરે. ઢોંગીઓને માત્ર તે પ્રશંસાનો જ બદલો મળશે! 3 તેઓ જે પ્રમાણે કરે છે તે પ્રમાણે કરવાના બદલે, જ્યારે તમે ગરીબને કંઈ આપો ત્યારે તમે શું કરો છો તે બીજાઓને જણાવશો નહીં. 4 તે રીતે, તમે ગરીબોને ગુપ્તમાં આપશો. તેને પરિણામે ઈશ્વર, તમારા પિતા કે જેઓ તમને કોઈ જોતું ન હોય ત્યારે પણ જુએ છે, તેઓ તમને બદલો આપશે.

5 "વળી જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે ઢોંગીઓ જેમ કરે છે તેમ તમે ન કરો. તેઓને સભાસ્થાનોમાં અને મુખ્ય શેરીના ચાર રસ્તાઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ગમે છે, કે જેથી બીજા લોકો તેમને જુએ અને તેમના વિષે અત્યંત સારું વિચારે. તેઓને માત્ર તે પ્રશંસાનો જ બદલો મળશે. 6 પરંતુ જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે તમારા અંગત ઓરડામાં જાઓ અને દરવાજો બંધ કરો કે જેથી તમે ઈશ્વર તમારા પિતા કે જેમને કોઈ જોઈ શકતું નથી તેમને પ્રાર્થના કરો. તેઓ તમને જુએ છે અને તમને તેનો બદલો આપશે. 7 જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે, ઈશ્વરને ન ઓળખતા લોકો પ્રાર્થના કરતાં જેમ ઘણા શબ્દો વારંવાર ફરીથી ઉચ્ચાર્યા કરે છે તેમ તમે ન કરો. તેઓ વિચારે છે કે જો તેઓ ઘણા શબ્દો બોલે, તો તેમના ઈશ્વર તેમનું સાંભળશે અને તેઓ જે માંગે છે તે તેઓને આપશે. 8 તેઓ જેમ કરે છે તેમ શબ્દોને વારંવાર ન દોહરાવો, કારણ કે ઈશ્વર તમારા પિતા તમારા માગ્યા અગાઉ જાણે છે કે તમને શાની જરૂર છે. 9 તેથી આ પ્રમાણે પ્રાર્થના કરો:
'હે પિતા, આપ જેઓ સ્વર્ગમાં છો,
સર્વ આપનું સન્માન કરો.
10 આપ સર્વ લોકો પર અને સર્વ બાબતો પર સંપૂર્ણપણે રાજ કરો.
જેમ સ્વર્ગમાં સર્વ બાબતો આપની ઈચ્છા પ્રમાણે થાય છે
તેમ પૃથ્વી પર પણ થાઓ.
11 દરેક દિવસે જે ભોજન અમને જોઈએ તે અમને આપો.
12 અમારી વિરુદ્ધ જે લોકોએ પાપ કર્યું છે તેઓને અમે જેવી રીતે માફ કર્યું છે તેવી જ રીતે આપ અમને અમારાં પાપોની ક્ષમા આપો.
13 જ્યારે અમારું પરીક્ષણ થાય ત્યારે અમે કશું ખોટું ન કરીએ માટે અમને સહાય કરો,
અને જ્યારે શેતાન અમને નુકસાન કરવા પ્રયત્ન કરે ત્યારે અમને બચાવો.'

14 જે લોકોએ તમારી વિરુદ્ધ પાપ કર્યું હોય તેઓને માફ કરો, કારણ કે, જો તમે એવું કરશો, તો ઈશ્વર, તમારા સ્વર્ગમાંના પિતા, તમારાં પાપો માફ કરશે. 15 પરંતુ જો તમે બીજાઓને માફ નહિ કરો, તો ઈશ્વર પણ તમારાં પાપો માફ નહિ કરે.

16 જ્યારે ઈશ્વરને પ્રસન્ન કરવા તમે ઉપવાસ કરો, ત્યારે જેમ ઢોંગીઓ ઉદાસ દેખાય છે તેવા તમે ન થાઓ. લોકો જોઈ શકે કે તેઓએ ભોજન લીધું નથી માટે તેઓ પોતાના ચહેરાને ઉદાસ દેખાડે છે. યાદ રાખો કે તે લોકોને માત્ર આ દેખાડો જ બદલારૂપે મળશે! 17 તેના બદલે, તમારામાંના દરેક, જ્યારે તમે ઉપવાસ કરો, ત્યારે તમારે તમારા વાળ ઓળવા અને રોજની જેમ જ મોં ધોવું, 18 કે જેથી બીજા લોકોને ખબર ન પડે કે તમે ઉપવાસ કર્યો છે. પરંતુ ઈશ્વર, તમારા પિતા, કે જેઓ અદ્રશ્ય છે, તેઓ જોશે કે તમે ભોજન લીધું નથી. ભલે બીજાઓ ન જુએ પણ તેઓ તમને જુએ છે અને તેઓ તમને બદલો આપશે.

19 આ પૃથ્વી પર સ્વાર્થી થઈને તમે પોતાના માટે ઘણાં બધાં નાણાં અને સામગ્રી ભેગી ન કરો, કારણ કે પૃથ્વી તો તે જગ્યા છે જ્યાં બધું જ નાશ પામે છે - જ્યાં ઊધઇ કપડાંનો નાશ કરે છે, કાટ ધાતુનો નાશ કરે છે, અને જે બીજાઓનું છે તેને ચોર ચોરી જાય છે. 20 તેના બદલે, એવાં કાર્ય કરો કે જે ઈશ્વરને પ્રસન્ન કરે કે જેથી તમે સ્વર્ગમાં ખજાનાનો સંગ્રહ કરો. સ્વર્ગમાં કંઈ જ નાશ પામતું નથી. સ્વર્ગમાં ઉધઇ કપડાંનો નાશ કરતી નથી, ત્યાં કાટ લાગતો નથી, અને ત્યાં કોઈ ચોર નથી કે જે ચોરી શકે. 21 યાદ રાખો કે તમારા માટે જે સૌથી અગત્યનું છે, તેના વિશે તમે વિચારતા રહેશો.

22 "તમારી આંખો તે તમારા શરીર માટે દીવા જેવી છે, કારણ કે તે તમને જોવા માટે શક્તિમાન કરે છે. માટે જેમ ઈશ્વર જુએ છે તેમ તમે જુઓ તો જાણે તમારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય તેમ થશે. 23 પરંતુ જો તમારી આંખો ખરાબ હશે, તો તમે સર્વ બાબતો યોગ્ય રીતે જોઈ શકશો નહીં. તમે સંપૂર્ણ અંધકારમાં હશો. તમે કેટલા લોભી હશો!

24 "કોઈ વ્યક્તિ એક જ સમયે બે જુદા જુદા માલિકોની સેવા કરી શકે નહીં. જો તે તેમ કરવાનો પ્રયત્ન કરશે, તો તે તેમાંના એકનો દ્વેષ કરશે અને બીજાને પ્રેમ કરશે, અથવા તે તેમાંના એકને વફાદાર રહેશે અને બીજાને ધિક્કારશે. તેવી જ રીતે, તમે એક જ સમયે ઈશ્વર અને નાણાંની સેવા કરી શકો નહિ."

25 એટલા માટે હું તમને કહું છું કે જીવવા માટે તમારે જે બાબતોની જરૂર છે તેના માટે તમારે ચિંતા કરવી નહીં. તમારી પાસે જમવા માટે પૂરતો ખોરાક અને પીવા માટે પાણી, અથવા પહેરવા માટે પૂરતા કપડાં હશે કે નહિ તે સંબંધી ચિંતા ન કરો. તે બાબતો કરતાં તમે કેવી રીતે તમારું જીવન જીવો છો તે વધારે અગત્યનું છે. 26 પક્ષીઓનો વિચાર કરો. તેઓ બીજ વાવતાં નથી અને તેઓ પાક લણતાં નથી અથવા તેને કોઠારોમાં ભરતાં નથી. તેઓ પાસે ખાવા માટે ખોરાક હોય છે કારણ કે ઈશ્વર, તમારા પિતા જે સ્વર્ગમાં છે, તે તેઓને ખોરાક પૂરો પાડે છે. 27 ચિંતા કરવાથી તમારામાંનો એકપણ, તમારા જીવનમાં એકેય વર્ષ વધારી શકતો નથી. તમે તમારા જીવનમાં એક ક્ષણ માત્ર પણ વધારી શકતા નથી! તેથી જે બાબતોની તમને જરૂર છે તેના માટે તમારે ચિંતા ન કરવી.

28 તમારી પાસે પૂરતાં કપડાં હશે કે નહિ તે માટે પણ તમારે ચિંતા કરવી નહીં. ખેતરમાં ફૂલો કેવી રીતે વધે છે તે વિષે વિચાર કરો. તેઓ પૈસા કમાવા માટે કામ કરતાં નથી, અને તેઓ પોતાનાં વસ્ત્રો બનાવતાં નથી. 29 પરંતુ હું તમને કહું છું કે સુલેમાન રાજા, જે ઘણા સમય અગાઉ થઈ ગયો, જે ખૂબ સુંદર વસ્ત્રો પહેરતો હતો, તેનાં વસ્ત્રો પણ તે ફૂલોમાંના એકના જેવાં સુંદર ન હતાં. 30 જંગલી છોડ કે જે માત્ર થોડા સમય માટે ઊગે છે, તેને ઈશ્વરે ખૂબ સુંદર બનાવ્યા છે. એક દિવસ તે ઊગે છે, અને બીજા દિવસે લોકો તેને ભઠ્ઠીમાં બાળવા માટે નાંખે છે. પરંતુ તે બધા જંગલી છોડ કરતાં ઈશ્વર માટે તમે વધારે અગત્યના છો, અને તમે ઘણું લાંબું જીવો છો. તેથી તમે કે જેઓની પાસે ખૂબ ઓછો વિશ્વાસ છે, તેઓ ઈશ્વર પર વિશ્વાસ કરો! 31 તેથી ચિંતા કરતાં એમ ન કહો, 'જમવા માટે અમારી પાસે શું કંઈ હશે?' અથવા 'અમારી પાસે પીવા માટે શું કંઈ હશે?' અથવા 'અમારી પાસે પહેરવા માટે કપડાં હશે શું?' 32 જે લોકો ઈશ્વરને ઓળખતા નથી તેઓ હંમેશાં આ રીતે બધી બાબતોની ચિંતા કરે છે. પરંતુ ઈશ્વર, તમારા પિતા કે જેઓ સ્વર્ગમાં છે, તેઓ જાણે છે કે તમને તે સર્વ બાબતોની જરૂર છે. 33 તેના બદલે, ઈશ્વર આખી પૃથ્વી પર રાજ કરે અને સર્વ લોકો તેમની ઇચ્છા પ્રમાણે કરે એ બાબતને ખૂબ મહત્વની ગણો. જો તમે તે કરો, તો તમને જે સર્વ બાબતોની જરૂર છે તે તેઓ તમને આપશે. 34 તેથી આવતી કાલે તમારા વિશે શું બનશે તેની ચિંતા ન કરો, કારણ કે જ્યારે તે દિવસ આવશે, ત્યારે તેના વિષે ચિંતા કરવા માટે પૂરતું હશે. તેથી સમય અગાઉ ચિંતા કરશો નહીં."