16
1
કેટલાક ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુ પાસે આવ્યા અને તેમને કહ્યું, "અમને બતાવો કે ઈશ્વરે ખરેખર તમને અમારી પાસે મોકલ્યા છે! આકાશમાં ચમત્કાર કરો અને ઈશ્વરના સામર્થ્યનો ઉપયોગ કરીને અમને ખાતરી કરાવો!"
2
તેમણે તેઓને પૂછ્યું, "આપણા દેશમાં, સાંજે જો આકાશ લાલ હોય, તો આપણે કહીએ છીએ, 'કાલે સારું વાતાવરણ હશે.'
3
પરંતુ જો સવારે આકાશ લાલ હોય તો આપણે કહીએ છીએ, 'આજે વાતાવરણ તોફાની હશે.' આકાશ તરફ જોઇને, વાતાવરણ કેવું હશે તે તમે કહી શકો છો, પરંતુ તમારી આસપાસ જે બાબતો બની રહી છે તે જોઇને, તમે સમજતા નથી કે ઈશ્વર શું કરી રહ્યા છે.
4
તમે દુષ્ટ લોકોએ મને ચમત્કાર કરતાં જોયો છે, પરંતુ તમે વિશ્વાસુપણે ઈશ્વરની ભક્તિ કરતા નથી. તેથી જે ચમત્કાર યૂના પ્રબોધક માટે થયો, જેણે ત્રણ દિવસ મોટી માછલીના પેટમાં પસાર કર્યા પરંતુ ફરી પાછો બહાર આવ્યો તે સિવાય હું તમારા માટે કોઈ ચમત્કાર કરવાનો નથી." પછી ઈસુ તેઓને છોડીને પોતાના શિષ્યો સાથે દૂર ગયા.
5
તેઓ ગાલીલ સમુદ્રની બીજી બાજુએ ગયા. પછી શિષ્યોને ખ્યાલ આવ્યો કે તેઓ ખોરાક લેવાનું ભૂલી ગયા છે.
6
તે સમયે, ઈસુએ તેઓને કહ્યું, "ફરોશીઓ અને સદૂકીઓ જે ખમીર તમને આપવા માગે છે તે તમે ન લો તે માટે સાવધાન રહો."
7
ઈસુએ તેમને જે કહ્યું તે સમજવા તેઓએ પ્રયત્ન કર્યો, અને તેઓએ એકબીજાને કહ્યું, "આપણે ખાવાને સારુ કશું લેવાનું ભૂલી ગયા છીએ તેથી તેઓએ આમ કહ્યું હશે!"
8
પરંતુ તેઓ જે કહી રહ્યા હતા તે ઈસુએ જાણ્યું અને તેઓને જવાબ આપ્યો, "તમે એવું વિચારો છો કે તમે રોટલી લાવવાનું ભૂલી ગયા હોવાથી મેં ફરોશીઓ અને સાદૂકીઓના ખમીર વિષે તમને કહ્યું અને તેથી હું નિરાશ છું. હું તમારે માટે કંઇક કરી શકું છું એવો તમને તદ્દ્ન ઓછો વિશ્વાસ છે.
9
શું તમે એવું વિચારો છો કે હું ખોરાક માટે ચિંતિત છું. શું તમે ખરેખર ભૂલી ગયા છો કે કેવી રીતે મેં પાંચ રોટલીથી પાંચ હજારને જમાડ્યા હતા, અને વધેલા ખોરાકની કેટલી ટોપલીઓ તમે ભેગી કરી હતી?
10
અથવા સાત રોટલીને મેં જ્યારે આશીર્વાદિત કરી ત્યારે ચાર હજાર લોકોએ જે ખાધું તેનું શું? અને પછી વધેલા અન્નની કેટલી ટોપલીઓ તમે ભેગી કરી?
11
તમારે સમજવું જોઈતું હતું કે હું ખરેખર રોટલી વિષે કહેતો ન હતો. ફરોશીઓ અને સાદૂકીઓનું ખમીર સ્વીકારશો નહીં."
12
પછી શિષ્યોને સમજાયું કે ઈસુ રોટલીની અંદરના ખમીર વિષે વાત કરતા ન હતા. તેના બદલે, તેઓ તો ફરોશીઓ અને સાદૂકીઓના ખોટા શિક્ષણ વિષે વાત કરતા હતા.
13
ઈસુ અને તેમના શિષ્યો કૈસરિયા ફિલિપી શહેરના વિસ્તાર નજીક પ્રવેશ્યા ત્યારે, તેમણે તેઓને પૂછ્યું, "હું, માણસનો દીકરો, ખરેખર કોણ છું તે વિષે લોકો શું કહે છે?"
14
તેઓએ ઉત્તર આપ્યો, "કેટલાંક લોકો કહે છે કે તમે યોહાન બાપ્તિસ્મી છો, જે ફરી જીવિત થયો છે. બીજાઓ કહે છે કે તમે એલિયા પ્રબોધક છો, કે જે ઈશ્વરના વચન મુજબ સ્વર્ગમાંથી પાછા આવ્યા છે. વળી બીજાઓ કહે છે કે તમે યર્મિયા પ્રબોધક અથવા બીજા પ્રબોધકોમાંના એક છો કે જે ઘણા સમય અગાઉ થઈ ગયો, પણ ફરી જીવિત થયો છે."
15
ઈસુએ તેઓને કહ્યું, "તમારા વિષે શું? હું કોણ છું તે વિષે તમે શું કહો છો?"
16
સિમોન પિતર તેમને કહે છે, "તમે મસીહા છો! તમે સર્વ શક્તિમાન ઈશ્વરના દીકરા છો."
17
પછી ઈસુએ તેને કહ્યું, "સિમોન, યૂનાના દીકરા, ઈશ્વર તારાથી પ્રસન્ન છે. તેં હમણાં જે કહ્યું છે - તે તને કોઈ માણસે પ્રગટ કર્યું નથી. તેના બદલે, મારા પિતા કે જેઓ સ્વર્ગમાં રહે છે તેમણે તને આ પ્રગટ કર્યું છે.
18
હું પણ તને આ કહીશ: તું પિતર છે, કે જેનો અર્થ 'પથ્થર' છે. જેમ મોટો પથ્થર વિશાળ ઇમારતનો આધાર બને છે તેમ, જેઓ મારા પર વિશ્વાસ કરે છે તે જૂથનો તું આધાર બનીશ. અને મરણનું પણ એટલું સામર્થ્ય નહીં હોય કે તે તેની વિરુદ્ધ ઊભું રહે."
19
પછી તેમણે કહ્યું, "લોકોને સ્વર્ગમાંથી ઈશ્વરના શાસન હેઠળ આવવાનો માર્ગ ખોલવા કે બંધ કરવા હું તને સમર્થ કરીશ. પૃથ્વી પર જેના વિષે તું મંજૂરી આપશે, તેના વિષે ઈશ્વર સ્વર્ગમાં મંજૂરી આપશે. પૃથ્વી પર જેના પર તું પ્રતિબંધ મૂકશે, તેના પર ઈશ્વર સ્વર્ગમાં પ્રતિબંધ મૂકશે."
20
પછી ઈસુએ શિષ્યોને તે સમયે કોઈને પણ ન કહેવા સખત રીતે ચેતવણી આપી કે તે ખ્રિસ્ત છે.
21
તે સમયથી ઈસુએ શિષ્યોને શીખવવાનું શરૂ કર્યું કે યરુશાલેમ શહેરમાં જવું તે તેમને માટે જરૂરનું છે. ત્યાં રાજ કરતાં વડીલો, મુખ્ય યાજકો, અને જે વ્યક્તિઓ યહૂદી નિયમ શીખવતા હતા તેઓ તેમને ત્રાસ સહન કરવા અને મરણ પામવા ફરજ પાડશે. પછી ત્રીજા દિવસે, તેઓ ફરીથી જીવિત થશે.
22
પરંતુ પિતર ઈસુને એક બાજુ લઇ ગયો અને આ બાબતો કહેવાને લીધે તેમને ઠપકો આપવા લાગ્યો.
23
પછી ઈસુ પિતર તરફ જોવા માટે ફર્યાં, અને તેમણે તેને કહ્યું, "મારી નજર સામેથી દૂર જા, કારણ કે તારા દ્વારા શેતાન બોલી રહ્યો છે. હું પાપ કરું તે માટે તું પ્રયત્ન કરી રહ્યો છે. ઈશ્વર જે વિચારે છે તે તું વિચારતો નથી, પરંતુ લોકો જે વિચારે છે તે તું વિચારે છે!"
24
પછી ઈસુએ તેમનાં શિષ્યોને કહ્યું, "જો તમારામાંનો કોઈ મારા પર વિશ્વાસ કરવા અને હું જ્યાં જાઉં છું ત્યાં જવા ઇચ્છે, તો તેણે તેની પોતાની ઇચ્છાઓ અને હેતુઓ મૂકી દેવા અને તેણે પોતાનો વધસ્તંભ ઊંચકીને હું જ્યાં જાઉં છું ત્યાં જવું.
25
જે કોઈ પોતાનું જીવન બચાવવા ઇચ્છે છે, તેને ખબર પડશે કે તે પોતાનું જીવન બચાવવાને બદલે તેને ગુમાવશે. પરંતુ જે કોઈ મારા લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેનું જીવન બચાવશે.
26
જો કોઈ વ્યક્તિ આ જગતમાંથી જે ઇચ્છે તે સર્વ મેળવે, પરંતુ પછી પોતાનું જીવન ગુમાવે તો તેને શો લાભ થાય? માણસ તેની સંપતિમાં એવું શું મેળવશે કે જે તેના માટે તેના જીવન જેટલું કિંમતી હોય?
27
ધ્યાનથી સાંભળો. હું, માણસનો દીકરો, આ પૃથ્વીથી જઈશ, પરંતુ હું પાછો આવીશ, અને સ્વર્ગના દૂતો મારી સાથે આવશે. તે સમયે મારા પિતા પાસે જે મહિમાવંત પ્રકાશ છે તે મારી પાસે હશે, અને હું દરેકને જ્યારે તેઓ આ પૃથ્વી પર જીવતા હતા ત્યારે તેમણે જે કર્યું હશે તેના પ્રમાણે બદલો આપીશ.
28
ધ્યાનથી સાંભળો! તમારામાંના કેટલાંક જેઓ હમણાં અહીં છે તેઓ મને, જે સ્વર્ગમાંથી આવ્યો છે તેને, જ્યારે હું રાજા તરીકે પાછો ફરીશ ત્યારે જોશે. તમે મરણ પામશો તે અગાઉ આ જોશો!"