15
1
પછી કેટલાક ફરોશીઓ અને જેઓ યહૂદી નિયમના શીખવનાર હતા તેઓ યરુશાલેમથી ઈસુની સાથે વાત કરવા આવ્યા. તેઓએ કહ્યું,
2
"અમે જોઈએ છીએ કે તમારા શિષ્યો આપણા પૂર્વજોની પરંપરાનું પાલન કરતા નથી! ધાર્મિક વિધિ પ્રમાણે તેઓ જમ્યા અગાઉ હાથ ધોતા નથી!"
3
ઈસુએ તેઓને જવાબ આપ્યો, "અને હું જોઉં છું કે તમારા પૂર્વજોએ તમને જે શીખવ્યું માત્ર તે પાળવા માટે તમે ઈશ્વરની આજ્ઞા પાળવાનો ઇન્કાર કરો છો!
4
ઈશ્વરે આ બે નિયમો તમને આપ્યા: 'તમારાં માતા અને પિતાનું સન્માન કરો', અને 'જે લોકો તેમનાં માતા અથવા પિતા વિષે દુષ્ટ બાબતો બોલે તો તેઓને મારી નાંખવા.'
5
પરંતુ તમે લોકોને કહો છો, 'તમે તમારા પિતા અથવા માતાને કહી શકો છો કે, "તમારી જરૂરિયાતોને માટે હું તમને જે મદદ આપવાનો હતો, તે મેં ઈશ્વરને આપવાનું વચન આપ્યું છે."'
6
જ્યારે તમે તેમ કરો, ત્યારે તમને લાગે છે કે તમારે તમારાં માતાપિતાને બીજું કઈ આપવાનું રહેતું નથી. તે રીતે તમે ઈશ્વરની આજ્ઞાઓને અવગણો છો, જેથી તમે તમારા પૂર્વજોએ તમને જે શીખવ્યું તેનું પાલન કરી શકો!
7
તમે માત્ર સારા હોવાનો દેખાવ કરો છો! જ્યારે યશાયાએ તમારા પૂર્વજો સંબંધી ઈશ્વરના વિચારો કહ્યા ત્યારે તેણે સત્ય જ કહ્યું હતું.
8
'આ લોકો જાણે મને માન આપતા હોય તેમ તેઓ બોલે છે, પરંતુ તેઓને મારી દરકાર નથી,'
9
મારું ભજન કરવું તે તેઓને માટે નકામું છે, કારણ કે જે બાબતોને લોકો તેમનું અધિકારયુક્ત શિક્ષણ માને છે તેને જ તેઓ શીખવે છે."
10
પછી ઈસુએ ફરી ટોળાને પોતાની પાસે બોલાવ્યું. તેમણે લોકોને કહ્યું, "હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો.
11
માણસ ખાવા માટે પોતાના મુખમાં જે કંઈ મૂકે છે તે તેને ભ્રષ્ટ કરતું નથી. તેના બદલે, માણસ જે બોલે છે તે તેને ભ્રષ્ટ કરે છે - તેના મુખમાંથી નીકળનાર શબ્દો - તે માણસને હલકો પાડે છે."
12
પછી શિષ્યો ઈસુ પાસે ગયા અને કહ્યું, "શું તમે જાણો છો કે તમે જે કહ્યું તે ફરોશીઓએ સાંભળ્યું અને તેઓ તમારા પર ક્રોધિત થયા છે?"
13
પછી ઈસુએ તેઓને આ ઉદાહરણ કહ્યું. "જેમ ખેડૂતે જે છોડ તેણે વાવ્યો નથી તેને તે મૂળમાંથી ઉખાડી નાખીને દૂર કરે છે, તેમ સ્વર્ગમાંના મારા પિતા પણ જે તેઓએ કહ્યું છે તેનાથી વિરુદ્ધનું શિક્ષણ આપનારા દરેકને દૂર કરશે.
14
ફરોશીઓ પર ધ્યાન આપશો નહીં. જેમ અંધ લોકોને ક્યાં ચાલવું જોઈએ તે અંધ માર્ગદર્શકો દર્શાવી શકતા નથી તેમ તેઓ લોકોને ઈશ્વરની આજ્ઞાઓ સમજવા મદદ કરતા નથી. તેના બદલે, તેઓ બધા જ એક ખાડામાં પડે છે."
15
પિતરે ઈસુને કહ્યું, "માણસ શું ખાય છે તેના વિષેનું ઉદાહરણ અમને સમજાવો."
16
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "હું શું શીખવું છું તે તમારે અવશ્ય સમજવું જોઈતું હતું, પરંતુ તમે સમજતા નથી તેથી હું નિરાશ છું.
17
તમારે સમજવું જોઈએ કે જે કઈ ખોરાક લોકો ખાય છે તે તેમના પેટમાં જાય છે, અને પછી બાકીનું તેમના શરીરની બહાર નીકળી જાય છે.
18
તેના બદલે, જે દુષ્ટ બાબતો મુખમાંથી નીકળે છે તેના લીધે ઈશ્વર વ્યક્તિને નકારે છે, કારણ કે જે દુષ્ટ બાબતો વ્યક્તિ પોતાના મનમાં વિચારે છે ત્યાંથી જ તે આવે છે.
19
તે તો વ્યક્તિનું મન છે કે જે દુષ્ટ બાબતો જેવી કે ખૂન કરવું, વ્યભિચાર કરવો, અન્ય જાતીય પાપો કરવાં, ચોરી કરવી, જૂઠી સાક્ષી પૂરવી, અને બીજાઓ વિષે દુષ્ટ બાબતો બોલવી; તેના વિષે વિચારે છે.
20
તે તો આ કાર્યો છે કે જેના લીધે ઈશ્વર લોકોને અસ્વીકાર્ય ગણે છે. પરંતુ ધોયા વગરના હાથથી ખાવું તેના લીધે ઈશ્વર લોકોને નકારતા નથી."
21
ઈસુ તેમના શિષ્યોને લઈને ગાલીલના જીલ્લામાંથી નીકળ્યા પછી, તેઓ સર્વ જ્યાં તૂર તથા સિદોનના શહેરી પ્રદેશો આવેલા છે તે તરફ ગયા.
22
કનાનીઓ તરીકે ઓળખાતા જૂથની એક સ્ત્રી, જે તે પ્રદેશમાં રહેતી હતી, તે ઈસુ પાસે આવી. તે તેમને બૂમ પાડતી હતી, "પ્રભુ, તમે દાઉદ રાજાના વંશજ છો, તમે મસીહ છો! મારા પર અને મારી દીકરી પર દયા કરો! દુષ્ટાત્મા તેને નિયંત્રિત કરે છે તેથી તે ઘણું જ સહન કરે છે."
23
પરંતુ ઈસુએ તેને કંઈ જ ઉત્તર આપ્યો નહીં. શિષ્યોએ તેમને કહ્યું, "તેને જતી રહેવા કહો કારણ કે જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તે બૂમો પાડીને આપણને હેરાન કરે છે."
24
ઈસુએ તેને કહ્યું, "ઈશ્વરે મને માત્ર ઇઝરાયલના લોકો માટે જ મોકલ્યો છે કારણ કે તેઓ માર્ગેથી ખોવાયેલાં ઘેટાં જેવા છે."
25
પરંતુ તે સ્ત્રી ઈસુ પાસે આવી અને તેમની સામે ઘૂંટણે પડી. તેણે વિનંતી કરી, "પ્રભુ, મને મદદ કરો!"
26
પછી તેમણે તેને કહ્યું, "કોઈ પોતાનાં બાળકો માટે બનાવેલું ભોજન લઈને ઘરમાંના નાના કૂતરા આગળ નાખે તે સારું નથી."
27
પરંતુ તે સ્ત્રીએ જવાબ આપ્યો, "પ્રભુ, તમે જે કહ્યું તે ખરું છે, પણ નાના કૂતરા તો જ્યારે માલિક પોતાની મેજ પર બેસીને ખાય છે ત્યારે ત્યાંથી જમીન પર પડેલા ટુકડા ખાય છે!"
28
પછી ઈસુએ તેં સ્ત્રીને કહ્યું, "અરે સ્ત્રી, તે મારા પર દ્રઢતાપૂર્વક વિશ્વાસ કર્યો છે તેના કારણે, તું જેમ ઇચ્છે છે તેમ હું તારી દીકરીને સાજી કરીશ!" તે જ ક્ષણે દુષ્ટાત્માએ તે સ્ત્રીની દીકરીને મુક્ત કરી દીધી, અને તે સાજી થઈ.
29
ત્યાર બાદ ઈસુ અને તેમના શિષ્યો તે પ્રદેશમાંથી નીકળીને, ફરી ગાલીલના સમુદ્ર પાસે ગયા. ઈસુ નજીકની ટેકરી પર ચઢ્યા અને લોકોને શીખવવા માટે બેઠા.
30
બીજા બે દિવસ સુધી લોકોનું મોટું ટોળું તેમની પાસે આવતું રહ્યું અને તેઓ તેમની પાસે લંગડા, અપંગ, અને અંધ લોકો, જેઓ બોલવા માટે અસમર્થ હતા તેવા લોકો, અને બીજા ઘણા જેઓને વિવિધ પ્રકારની બીમારી હતી તેઓને લાવ્યા. તેઓ તેમને ઈસુની આગળ લાવ્યા કે જેથી તેઓ તેમને સાજા કરે. અને ઈસુએ તેમને સાજાં કર્યાં.
31
ટોળાએ જોયું કે તેઓ જે લોકો વાત કરી શકતા ન હતા તેમને, અપંગને, લંગડા લોકોને, અને અંધ લોકોને સાજા કરે છે ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા. તેઓએ કહ્યું, "ઇઝરાયલમાં જે ઈશ્વર આપણા પર રાજ કરે છે તે ઈશ્વરની સ્તુતિ થાઓ!"
32
પછી ઈસુએ તેમના શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, "આ લોકોનું ટોળું મારી સાથે ત્રણ દિવસથી છે અને તેમની પાસે કશું ખાવાનું રહ્યું નથી. તેઓ માટે મને દુઃખ થાય છે. મારે તેમને ભૂખ્યાને ભૂખ્યા જવા દેવા નથી, કારણ કે જો હું તેમ કરું, તો તેઓ ઘરે જતા રસ્તામાં જ મૂર્છિત થઇ શકે છે."
33
શિષ્યોએ તેમને કહ્યું, "આ જગ્યા એવી છે કે જ્યાં કોઈ નથી રહેતું, ત્યાં આટલા મોટા ટોળાને જમાડવા પૂરતો ખોરાક મળશે નહિ!"
34
ઈસુએ તેઓને પૂછ્યું, "તમારી પાસે કેટલી રોટલી છે?" તેઓએ તેમને જવાબ આપ્યો, "નાની સાત રોટલી અને શેકેલી થોડી નાની માછલી."
35
પછી ઈસુએ લોકોને જમીન પર બેસવા માટે કહ્યું.
36
તેમણે સાત રોટલી અને શેકેલી માછલી લીધી. તેના માટે ઈશ્વરનો આભાર માન્યા પછી, તેમણે તેના ટુકડા કર્યા અને શિષ્યોને આપતા જ ગયા. પછી શિષ્યો તેને ટોળામાં વહેંચતા જ ગયા.
37
ઈસુએ ચમત્કારિક રીતે તે ખોરાકમાં વધારો કર્યો તેના કારણે, સર્વ લોકોએ ખાધું અને તેમને સંતોષવા તે પૂરતું હતું. પછી શિષ્યોએ વધેલા ટુકડા ભેગા કર્યા, અને તેનાથી તેઓએ સાત મોટી ટોપલીઓ ભરી.
38
ત્યાં જેઓ જમ્યા તેમા ચાર હજાર પુરુષો હતા, પરંતુ સ્ત્રીઓ અને બાળકો પણ જમ્યા જેમની ગણતરી કોઈએ કરી ન હતી.
39
ઈસુએ ટોળાને મોકલી દીધા પછી, તેઓ અને તેમના શિષ્યો હોડીમાં ચઢ્યા અને સરોવરના કિનારે મગદાનના પ્રદેશની પાસે ફર્યા.