14
1
તે સમય દરમિયાન રાજા હેરોદ અંતિપાસે ઈસુ જે ચમત્કારો કરતા હતા તે વિષેનો અહેવાલ સાંભળ્યો.
2
તેણે તેના ચાકરોને કહ્યું, "તે યોહાન બાપ્તિસ્મી હોવો જોઈએ. તે મરણમાંથી સજીવન થયો હોવો જોઈએ, અને તેથી તેની પાસે તે ચમત્કાર કરવાનું સામર્થ્ય છે."
3-4
હેરોદનું આવું વિચારવાનું કારણ આ હતું. હેરોદે, તેના ભાઈ ફિલિપની હયાતીમાં જ, ફિલિપની પત્ની હેરોદિયા સાથે લગ્ન કર્યા. તેથી યોહાન તેને કહેતો રહ્યો કે, "તેં જે કર્યું છે તે ઈશ્વરના નિયમની વિરુદ્ધ છે!" હેરોદે પછી હેરોદિયાને ખુશ કરવા પોતાના સૈનિકોને યોહાનની ધરપકડ કરવા કહ્યું. તેઓએ તેને સાંકળથી બાંધ્યો અને જેલમાં પૂર્યો.
5
હેરોદ ઇચ્છતો હતો કે તે તેના માણસોને કહીને યોહાનને મારી નંખાવે, પરંતુ તે જાહેર જનતાથી ડરતો હતો, કારણ કે તેઓ એવો વિશ્વાસ કરતા હતા કે યોહાન પ્રબોધક છે કે જે ઈશ્વર માટે બોલે છે.
6
એક દિવસ, હેરોદે તેની વર્ષગાંઠ ઉજવવા મિજબાની આપી, અને હેરોદિયાની દીકરીએ મહેમાનો માટે નૃત્ય કર્યું. તેના નૃત્યથી હેરોદ ખૂબ ખુશ થયો,
7
તેથી તે જે કંઈ માંગે તે આપવા તેણે તેને વચન આપ્યું, અને તેણે તે વચન આપ્યું છે તેના સાક્ષી ઠરવા તેણે ઈશ્વરના સમ ખાધા.
8
તેથી હેરોદિયાની દીકરી ગઈ અને શું માગવું તે વિષે પોતાની માતાને પૂછ્યું. તેણે શું કહેવું તે વિષે તેની માતાએ તેને કહ્યું. તેથી પછી તેની દીકરી ગઈ અને હેરોદને કહ્યું, "મારી ઇચ્છા છે કે યોહાન બાપ્તિસ્મીનું માથું કાપવામાં આવે અને તે ખરેખર મરણ પામ્યો છે તે દર્શાવવા અહીં થાળમાં લાવવામાં આવે!"
9
રાજાને ઘણું દુઃખ થયું કારણ કે તેણે હેરોદિયાની દીકરીને કહ્યું હતું કે તે જે કંઈ માંગશે તે તેને આપશે.
10
તેણે સૈનિકોને જેલમાં યોહાનનું માથું કાપવા માટે મોકલ્યા.
11
તેઓએ તેમ કર્યું, અને તેઓએ યોહાનનું માથું થાળમાં મૂક્યું અને તે છોકરી પાસે લાવ્યા. પછી તે છોકરી તેને પોતાની માતા પાસે લઇ ગઈ.
12
બાદમાં યોહાનના શિષ્યો જેલમાં ગયા, યોહાનનું શરીર લીધું અને તેને દફનાવ્યુ. ત્યાર બાદ તેઓ ગયા અને જે બન્યું હતું તે ઈસુને કહ્યું.
13
ઈસુએ તે સમાચાર સાંભળ્યા પછી, તેઓ માત્ર પોતાના શિષ્યોને લઈને ગાલીલ સમુદ્રમાં હોડી દ્વારા એવા સ્થળે ગયા જ્યાં કોઈ રહેતું ન હતું.
જ્યારે ટોળાએ સાંભળ્યું કે તેઓ ક્યાં ગયા છે, ત્યારે તેઓ પોતાનાં નગરો છોડીને સમુદ્ર કિનારે તેમની પાછળ ગયા.
14
જ્યારે ઈસુ કિનારે આવ્યા, ત્યારે તેમણે જોયું કે મોટું ટોળું તેમની રાહ જોઈ રહ્યું છે. તેમને તેઓ માટે દુઃખ થયું, અને તેઓમાં જેઓ માંદા હતા તેઓને તેમણે સાજા કર્યા.
15
લગભગ સાંજ પડવા આવી હતી, ત્યારે શિષ્યો ઈસુ પાસે આવ્યા અને કહ્યું, "આ એવી જગ્યા છે જ્યાં કોઈ રહેતું નથી, અને ઘણું મોડું થયું છે. માટે ટોળાના લોકોને કહો કે તેઓ જાય કે જેથી તેઓ નજીકના નગરોમાં જઈને ખોરાક ખરીદે."
16
પરંતુ ઈસુએ શિષ્યોને કહ્યું, "ખોરાક મેળવવા માટે તેઓ જાય તેની જરૂર નથી. તેના બદલે, તમે પોતે તેમને કઇંક ખાવા માટે આપો!"
17
શિષ્યોએ કહ્યું, "પરંતુ અહીં અમારી પાસે માત્ર પાંચ રોટલી અને બે શેકેલી માછલી છે!"
18
તેમણે કહ્યું, "તેને મારી પાસે લાવો!"
19
જે લોકોનું ટોળું ત્યાં એકત્ર થયું હતું તેમને ઈસુએ ઘાસ પર બેસવા કહ્યું. પછી તેમણે પાંચ રોટલી અને બે માછલી લીધી. તેમણે સ્વર્ગ તરફ જોયું, તેને માટે ઈશ્વરનો આભાર માન્યો, અને તેના ટુકડા કર્યા. પછી તે ટુકડા તેમણે પોતાના શિષ્યોને આપ્યા, અને તેઓએ તેને ટોળામાં પીરસ્યા.
20
જ્યાં સુધી તેઓ ધરાયા નહિ ત્યાં સુધી સર્વ લોકોએ ખાધું. પછી કેટલાંક લોકોએ તે વધેલા ટુકડા ભેગા કર્યા અને તેનાથી બાર ટોપલીઓ ભરી.
21
તે સમયે સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત આશરે પાંચ હજાર પુરુષો જમ્યા હતા!
22
ત્યારબાદ તરત, ઈસુએ શિષ્યોને હોડીમાં બેસવા કહ્યું અને તેમની અગાઉ ગાલીલ સમુદ્રની બીજી બાજુ જવા માટે કહ્યું. તે સમય દરમિયાન, તેઓ ટોળાને ઘરે મોકલતા હતા.
23
ટોળાને મોકલી રહ્યા પછી, તેઓ પોતે પ્રાર્થના કરવા માટે પહાડ પર ગયા. જ્યારે સાંજ થઇ, ત્યારે તેઓ એકલા જ ત્યાં હતા.
24
તે સમય દરમિયાન શિષ્યો કિનારેથી ઘણે દૂર હતા. જે દિશામાં શિષ્યો હંકારવા પ્રયત્ન કરતા હતા તેનાથી વિરુદ્ધ દિશામાં ભારે પવન ફૂંકાતો હતો; તે પવને મોટાં મોજાં ઉપજાવ્યાં હતાં. એ મોજાં હોડીને આગળ અને પાછળ ઉછાળતાં હતાં.
25
પછી ઈસુ પહાડ પરથી ઉતરીને સમુદ્રએ આવ્યા. સવારના ત્રણથી છ વાગ્યાની આસપાસ ઈસુ પાણી પર ચાલીને હોડી તરફ ગયા.
26
જ્યારે શિષ્યોએ તેમને પાણી પર ચાલતા જોયા ત્યારે, તેમણે વિચાર્યું કે તે ભૂત હશે. તેઓ ગભરાઈ ગયા, અને તેઓએ ભયથી બૂમો પાડી.
27
તરત જ ઈસુએ તેઓને કહ્યું, "હિંમત રાખો! તે તો હું છું. ગભરાશો નહીં.
28
પિતરે તેમને કહ્યું, "પ્રભુ, જો તે તમે છો તો મને તમારી પાસે પાણી પર આવવા કહો!"
29
ઈસુએ કહ્યું, "આવ!" તેથી પિતર હોડીમાંથી બહાર આવ્યો. તે ઈસુ તરફ પાણી પર ચાલવા લાગ્યો.
30
પરંતુ જ્યારે પિતરે ભારે પવન પર ધ્યાન આપ્યું, ત્યારે તે ગભરાઈ ગયો. તે પાણીમાં ડૂબવા લાગ્યો અને પોકારી ઊઠ્યો, "પ્રભુ, મને બચાવો!"
31
તરત જ ઈસુએ હાથ લાંબો કર્યો અને પિતરને પકડ્યો. તેમણે તેને કહ્યું, "તેં મારા સામર્થ્યમાં થોડો જ વિશ્વાસ કર્યો છે! તેં કેમ શંકા કરી કે હું તને ડૂબતાં નહીં બચાવું?"
32
પછી ઈસુ અને પિતર હોડીમાં ચઢ્યા, અને તરત પવન ફૂંકાતો બંધ થયો.
33
હોડીમાં જે સર્વ શિષ્યો હતા તેઓ ઈસુ આગળ નમ્યા અને કહ્યું, "તમે ખરેખર ઈશ્વરના દીકરા છો!"
34
જ્યારે તેઓ સરોવર તરફ આગળ વધ્યા ત્યારે, તેઓ ગન્નેસારેતના નગરમાં આવ્યા.
35
તે પ્રદેશના લોકોએ ઈસુને ઓળખ્યા, તેથી તેઓએ લોકોને મોકલ્યા કે તેઓ તે પ્રદેશમાં રહેનારા સર્વને જાણ કરે કે ઈસુ આવ્યા છે. તેથી દરેક જેઓ બીમાર હતા તેઓ સર્વને ઈસુ પાસે લાવ્યા.
36
બીમાર લોકો તેમને વિનંતી કરતા કે તેઓ તેમને સ્પર્શ કરવા દે અથવા માત્ર તેમના વસ્ત્રની કિનારીને અડકવા દે જેથી તેઓ સાજા થાય. જે બધા તેમને અથવા તેમના વસ્ત્રની કિનારીને અડક્યા તેઓ સાજા થયા.