13

1 તે જ દિવસે, ઈસુ શિષ્યો સાથે જે ઘરમાં તેઓ શીખવતા હતા ત્યાંથી નીકળીને ગાલીલ સમુદ્રને કિનારે ગયા. તેઓ ત્યાં બેઠા, 2 અને તેઓ જે શીખવતા હતા તે સાંભળવા અતિ ઘણું મોટું ટોળું તેમની આસપાસ ભેગું થયું. તેઓને થોડી જગ્યા મળે તેથી તેઓ હોડી પર ચઢ્યા અને તેઓને શીખવવા બેઠા. ટોળાએ કિનારે ઊભા રહીને તેમને સાંભળ્યા. 3 તેમણે તેઓને ઘણાં ઉદાહરણો દ્વારા શીખવ્યું. તેમણે કહ્યું, "સાંભળો! એક માણસ તેના ખેતરમાં બીજ વાવવા ગયો. 4 જ્યારે તે બીજને જમીન પર વાવતો હતો, ત્યારે કેટલાંક બીજ રસ્તા પર પડ્યાં. પરંતુ કેટલાંક પક્ષીઓ આવ્યાં અને તે બીજ ખાઈ ગયાં. 5 બીજાં બીજ ખડક પર કે જ્યાં ઘણી માટી ન હતી ત્યાં પડ્યાં. સૂર્યએ જલદી તે જમીનને ગરમ કરી હતી, તેથી તે બીજ વહેલાં ઉગી નીકળ્યાં. 6 પરંતુ જ્યારે નાના છોડ ઊગ્યા, ત્યારે સૂર્યની પ્રખર ગરમીને કારણે તેઓ સુકાઈ ગયાં કારણ કે તેઓનાં મૂળ ઊંડાં ન હતાં. 7 બીજાં બીજ કાંટાના જાળાંવાળી જમીન પર પડ્યાં. તે કાંટાના જાળાં નાના છોડ સાથે વધ્યાં, અને તે નાના છોડને દાબી નાખ્યા. 8 પરંતુ બીજા બીજ સારી જમીન પર પડ્યા, અને છોડ ઊગ્યા અને ઘણું અનાજ ઉત્પન્ન કર્યું. જે બીજ વાવ્યાં હતાં તેના સો ઘણાં બીજા કેટલાક છોડે ઉત્પન્ન કર્યા. કેટલાંક છોડે સાઠ ઘણાં ઉત્પન્ન કર્યા. કેટલાક છોડે ત્રીસ ઘણાં ઉત્પન્ન કર્યાં. 9 જો તમે આ સમજવા શક્તિમાન છો, તો મેં જે હમણાં જ કહ્યું તેને તમારે કાળજીપૂર્વક સમજવું જોઈએ."

10 ત્યારબાદ શિષ્યો ઈસુની પાસે ગયા અને તેમને પૂછ્યું, "જ્યારે તમે ટોળા સાથે વાત કરો છો ત્યારે તમે ઉદાહરણનો ઉપયોગ કેમ કરો છો?" 11 તેમણે જવાબ આપ્યો, "અગાઉ ઈશ્વરે જે પ્રગટ કર્યું ન હતું કે તેઓ સ્વર્ગમાંથી કેવી રીતે રાજ કરે છે તે તેઓ તમને પ્રગટ કરી રહ્યા છે. પરંતુ તેઓએ તે હજુ બીજા લોકોને પ્રગટ કર્યું નથી. 12 મેં જે કહ્યું તેને જેઓ સમજવા અને તેના વિષે વિચાર કરવા શક્તિમાન છે, તેઓને ઈશ્વર વધારે સમજવા સમર્થ કરશે. પરંતુ મેં જે કહ્યું તે વિષે કાળજીપૂર્વક વિચાર કરવા જેઓ શક્તિમાન નથી તેઓને જે અગાઉથી ખબર છે તે પણ તેઓ ભૂલી જશે. 13 તેના લીધે જ હું લોકો સાથે ઉદાહરણોમાં વાત કરું છું, કારણ કે હું જે કરું છું તે તેઓ જુએ છે, છતાં તેઓ તેનો અર્થ સમજતા નથી, અને હું જે કહું છું તે તેઓ સાંભળે છે, છતાં તેઓ તેનો અર્થ સમજતા નથી. 14 આ લોકો જે કરે છે તેનાથી ઘણા સમય અગાઉ ઈશ્વરે યશાયા પ્રબોધકને જે બોલવા કહ્યું હતું તે તેઓ પરિપૂર્ણ કરે છે, કે હું જે કહું છું તે તમે સાંભળશો, પરંતુ તેનો અર્થ તમે સમજી શકશો નહીં. હું જે કરું છું તે તમે જોશો, પણ તમે તેનો અર્થ પામી શકશો નહીં.

15 ઈશ્વરે યશાયાને આ પણ કહ્યું હતું,
"હું જે કહું છું તે આ લોકો સાંભળે છે, પરંતુ તેઓ કદી તે સંદેશ સમજશે નહીં.
જોઈ શકે તેવી આંખો તેમની પાસે છે, પરંતુ તેઓ જે જુએ છે તે કદી સ્પષ્ટપણે જોઈ શકશે નહીં. તેમણે પોતાની આંખો બંધ કરી છે તેથી તેઓ નિહાળી શકશે નહીં.
તેઓ પોતાની આંખોથી જોઈ શકશે નહીં અને પોતાના કાનથી સાંભળી શકશે નહીં, અને તેઓ સમજી શકશે પણ નહીં.
ઈશ્વર કહે છે, "જો તેઓ જોઈ શકતા, સાંભળી શકતા અને સમજી શકતા હોત, તો તેઓ મારી પાસે પાછા ફરત, અને હું તેઓને સાજા કરત."

16 પરંતુ તમને તો, ઈશ્વરે સમર્થ કર્યા છે કારણ કે મેં જે કર્યું છે તે તમે સ્પષ્ટપણે જાણ્યું છે અને મેં જે કહ્યું તે તમે સમજ્યા છો. 17 આની નોંધ લો: અગાઉ થઇ ગયેલા ઘણા પ્રબોધકો અને ધાર્મિક લોકો જે કરતાં તમે મને જુઓ છો તે જોવા રાહ જોતા હતા, પરંતુ તેઓ જોઈ શક્યા નહીં. તમે મને જે કહેતા સાંભળો છો તે તેઓ સાંભળવા ઇચ્છતા હતા, પરંતુ તેઓ તે સાંભળી શક્યા નહીં."

18 મેં જે ઉદાહરણ તમને કહ્યું તેનો અર્થ હું તમને કહું છું તે સાંભળો. 19 ઈશ્વર કેવી રીતે રાજ કરે છે તે કેટલાક લોકો સાંભળે છે પરંતુ સમજતા નથી. તેઓ તો તે માર્ગ કે જ્યાં થોડાંક બીજ પડ્યાં હતાં તેના જેવા છે. શેતાન, જે દુષ્ટ છે તે, આવે છે અને આ લોકોએ જે સાંભળ્યું હોય તે ભુલાવી દે છે. 20 કેટલાક લોકો ઈશ્વરનો સંદેશ સાંભળે છે અને આનંદથી તેને સ્વીકારે છે. તેઓ ખડકાળ જમીન પર પડેલાં બીજ જેવા છે. 21 પરંતુ તે તેમના હૃદયમાં ઊંડાં ઊતર્યા નહિ, તેને કારણે તેઓએ થોડા સમય માટે તેના પર વિશ્વાસ કર્યો. તેઓ તો તે છોડ કે જેનાં મૂળ ઊંડાં નથી તેના જેવા છે. મેં જે કહ્યું છે તેના પર વિશ્વાસ કરવાને લીધે જ્યારે બીજાઓ તેમની સાથે ખરાબ રીતે વર્તે છે, ત્યારે તેઓ મારી કહેલી વાત પર હવે પછી વિશ્વાસ કરવાનો નકાર કરીને પાપ કરે છે. 22 અમુક લોકો ઈશ્વરનો સંદેશ સાંભળે છે, પરંતુ તેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે, તેથી તેઓ નાણાં માટે અને નાણાંથી જે ખરીદી શકાય તે વિષે જ ચિંતા કરે છે. તેના પરિણામે, તેઓ ઈશ્વરનો સંદેશ ભૂલી જાય છે અને ઈશ્વર જે બાબતો તેઓ દ્વારા કરાવવા ઇચ્છે છે, તે તેઓ કરતા નથી. તે લોકો તો એવા બીજ જેવા છે કે જે કાંટાના જાળાંવાળી જમીનમાં પડ્યા છે. 23 પરંતુ કેટલાક લોકો મારો સંદેશ સાંભળે છે અને સમજે છે. તેઓમાંના કેટલાંક ઈશ્વરને પ્રસન્ન કરે એવી ઘણી બાબતો કરે છે, કેટલાક ઈશ્વરને પ્રસન્ન કરે એવી ઘણી બધી વધારે બાબતો કરે છે, અને કેટલાક ઈશ્વરને પ્રસન્ન કરે એવી અતિ ઘણી બાબતો કરે છે. તેઓ તો સારી જમીન કે જ્યાં બીજ પડ્યાં હતાં તેના જેવા છે."

24 ઈસુએ ટોળાને બીજું ઉદાહરણ પણ કહ્યું. તેમણે કહ્યું, "જ્યારે ઈશ્વર સ્વર્ગમાંથી રાજ કરશે, ત્યારે તે તો એક જમીનદાર કે જેણે તેની જમીનમાં તેના ચાકરોને સારાં બીજ વાવવા મોકલ્યા તેના જેવું છે. 25 જ્યારે તે ચાકરો ઊંઘતા હતા અને જમીનની રખેવાળી કરતા ન હતા, ત્યારે તે જમીનના માલિકનો દુશ્મન આવ્યો અને ઘઉંના દાણા વચ્ચે નકામા ઘાસના બીજ વીખેરીને જતો રહ્યો. 26 બીજને ફણગા ફૂટ્યા અને લીલા છોડ ઊગ્યા, ઉંબીઓ આવી. પરંતુ નકામું ઘાસ પણ ઊગ્યું. 27 તેથી જમીનદારના ચાકરો આવ્યા અને તેને કહ્યું, 'સાહેબ, તમે અમને સારા દાણા આપ્યા અને તેને જ અમે તમારી જમીનમાં વાવ્યા હતા. તો આ ઘાસ ક્યાંથી આવ્યું?' 28 જમીનદારે તેમને કહ્યું, 'મારા દુશ્મને આ કર્યું છે.' તેના નોકરોએ તેને કહ્યું, 'શું તમે એવું ઇચ્છો છો કે અમે ઘાસ ઉખેડી નાખીએ?' 29 તેણે તેઓને કહ્યું, 'ના, તેમ કરશો નહીં, કારણ કે તેમ કરવામાં તમે કેટલાંક ઘઉં ઉખેડી નાંખશો. 30 કાપણીનો સમય આવે ત્યાં સુધી ઘઉં અને ઘાસને સાથે વધવા દો. તે સમયે જે કાપનારાઓ હશે તેમને હું કહીશ, 'પહેલાં ઘાસ ભેગું કરો અને સળગાવવા માટે તેને ભારાઓમાં બાંધો. પછી ઘઉં ભેગા કરો અને તેને મારી વખારોમાં ભરો.'"

31 ઈસુએ આ ઉદાહરણ પણ કહ્યું: "જ્યારે ઈશ્વર સ્વર્ગમાંથી રાજ કરે, તે તો રાઈનો દાણો કે જેને માણસે પોતાની જમીનમાં વાવ્યો હોય અને ઊગે તેના જેવું છે. 32 રાઈનો દાણો લોકો વાવે તે દાણાઓ કરતાં સૌથી નાનો ભલે હોય, પણ અહીં ઇઝરાયલમાં તે ખૂબ મોટો છોડ બને છે. જ્યારે છોડ સંપૂર્ણપણે વધે છે, ત્યારે તેઓ બગીચાના બીજા કોઈ પણ છોડ કરતાં મોટા હશે. તેઓ વૃક્ષો જેટલા મોટા છોડ થશે અને તેઓ એટલા મોટા થશે કે તેની ડાળીઓ પર પક્ષીઓ માળા બાંધે."

33 ઈસુએ તેમના શિષ્યોને આ ઉદાહરણ પણ કહ્યું: "ઈશ્વર જ્યારે સ્વર્ગમાંથી રાજ કરે, ત્યારે તે તો એક સ્ત્રી કે જે રોટલી બનાવે છે તેના જેવું છે. તેણે ચાળીસ કિલો લોટ લીધો અને તેમાં થોડું ખમીર ભેળવ્યું, અને રોટલી ફૂલી."

34 ઈસુએ ટોળાને આ સર્વ બાબતો શીખવવા માટે ઉદાહરણો કહ્યાં. જ્યારે તેઓ તેમની સાથે વાત કરતા ત્યારે તેઓ તેમને તેમની રીત મુજબ આ પ્રમાણેની વાર્તાઓ કહેતા. 35 તે પ્રમાણે કરવા દ્વારા, ઈશ્વરે ઘણા સમય અગાઉ પ્રબોધકોમાંના એક પાસે જે લખાવ્યું હતું તે સત્ય ઠર્યું. હું ઉદાહરણોમાં વાત કરીશ; જગતને ઉત્પન્ન કર્યું ત્યારથી જે વાતો મેં ગુપ્ત રાખી છે તેને શીખવવા માટે હું ઉદાહરણો કહીશ.

36 ઈસુએ ટોળાને વિદાય કર્યું, ત્યારબાદ તેઓ ઘરમાં ગયા. પછી શિષ્યો તેમની પાસે ગયા અને કહ્યું, "જે ઘાસ ઘઉંની જમીનમાં ઊગ્યું હતું તે વિષે અમને સમજાવો." 37 તેમણે જવાબ આપ્યો, "જેણે સારાં બીજ વાવ્યાં તે મને, માણસના દીકરાને દર્શાવે છે. 38 ખેતર આ જગત, કે જ્યાં લોકો રહે છે તેને દર્શાવે છે. સારી રીતે જે બીજ ઊગ્યાં તે એવા લોકો કે જેમના પર ઈશ્વર રાજ કરે છે તે દર્શાવે છે. ઘાસ એવા લોકોને દર્શાવે છે કે જેઓ શેતાન, જે દુષ્ટ છે, તે જે કહે છે તે કરે છે. 39 દુશ્મન કે જેણે ઘાસના દાણા વાવ્યા તે શેતાનને દર્શાવે છે. જે સમયે કાપનારાઓ અનાજની કાપણી કરે છે તે તો તે સમય દર્શાવે છે કે જ્યારે જગતનો અંત આવશે. કાપનારાઓ સ્વર્ગદૂતોને દર્શાવે છે. 40 ઘાસને બાંધીને સળગાવવામાં આવે છે. તે તો ઈશ્વર જ્યારે સર્વ લોકોનો ન્યાય કરશે, જગતનો અંત આવશે ત્યારે શું થશે તે દર્શાવે છે. તે તો આના જેવું હશે: 41 હું, માણસનો દીકરો, મારા સ્વર્ગદૂતોને મોકલીશ, અને જે સર્વ પર હું રાજ કરું છું તેઓમાંથી જે બાબતો લોકોને ઠોકર ખવડાવે છે અને જેઓ ઈશ્વરની ઇચ્છાનું ઉલ્લંઘન કરે છે તેઓને એકત્ર કરશે. 42 સ્વર્ગદૂતો તે લોકોને નર્કના અગ્નિમાં નાખશે. ત્યાં તે લોકો જે ભયંકર પીડા ભોગવે છે તેને કારણે રડશે અને પોતાના દાંત પીસશે. 43 તો પણ, જે લોકો ઈશ્વર જે રીતે ઇચ્છે છે તે રીતે જીવશે તેઓ જેમ સૂર્ય તેજસ્વી પ્રકાશથી પ્રકાશે છે તેમ પ્રકાશશે. તેઓ પ્રકાશશે કારણ કે ઈશ્વર, તેમના પિતા, તેમના પર રાજ કરશે. જો તમે આ સમજવા સક્ષમ હો, તો મેં હમણાં જે કહ્યું તે તમારે ધ્યાનપૂર્વક વિચારવું જોઈએ."

44 "ઈશ્વરનું સ્વર્ગમાંથી શાસન કરવું તે તો એક માણસ કે જેને બીજા માણસે સંતાડેલો ખજાનો મળે છે તેના જેવું કિંમતી છે. જ્યારે તે માણસ તેને ખોદે છે, ત્યારે તે ફરી તેને જમીનમાં દાટે છે જેથી બીજા કોઈને તે મળે નહીં. પછી તે ગયો અને તેની સર્વ સંપત્તિ વેચી નાંખી કે જેથી તેને નાણાં મળે કે તે તે જમીન ખરીદે. તે જાય છે અને તે જમીન ખરીદે છે, અને તેથી તે ખજાનો ખરીદવા સક્ષમ બને.

45 વળી, ઈશ્વરનું સ્વર્ગમાંથી શાસન કરવું તે તો એક વેપારી કે જે સારી ગુણવત્તાવાળા મોતીની તપાસમાં હોય તેના જેવું છે. 46 જ્યારે તે વેચવા માટેનું એક મૂલ્યવાન મોતી જુએ છે, ત્યારે તે મોતી ખરીદવા પૂરતાં નાણાં મેળવવા તેણે તેની સર્વ સંપત્તિ વેચી નાંખી. પછી તે ગયો અને તે મોતી ખરીદ્યું.

47 જ્યારે ઈશ્વર સ્વર્ગમાંથી શાસન કરે છે ત્યારે તે તો જાણે અમુક માછીમારો જ્યારે મોટી જાળોમાં સર્વ પ્રકારની સારી અને ખરાબ માછલીઓ સરોવરમાંથી પકડે છે તેના જેવું છે. 48 જ્યારે જાળો ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા. પછી તેઓ ત્યાં બેઠા અને સારી માછલીઓને તેમણે ટોપલીમાં ભરી, પરંતુ ખરાબ માછલીઓને નાંખી દીધી. 49 આ તો તેના જેવું છે કે જ્યારે દુનિયાનો અંત આવશે ત્યારે લોકોનું આવું જ થશે. જ્યાં ઈશ્વર લોકોનો ન્યાય કરતા હશે ત્યાં સ્વર્ગદૂતો આવશે અને ન્યાયીઓને દુષ્ટોથી અલગ કરશે. 50 તેઓ દુષ્ટ લોકોને નર્કના અગ્નિમાં ફેંકશે. અને તે દુષ્ટ લોકો તેમની અસહ્ય પીડા અને કષ્ટના લીધે રડશે અને પોતાના દાંત પીસશે."

51 પછી ઈસુએ શિષ્યોને પૂછ્યું, "આ સર્વ ઉદાહરણો કે જે મેં તમને કહ્યાં છે તે શું તમે સમજ્યા?" તેઓએ તેમને કહ્યું, "હા, અમે તે સમજ્યા. 52 પછી તેમણે કહ્યું, "જે શિક્ષકો અને અર્થઘટન કરનારાઓ આ ઉદાહરણો સમજ્યા અને સ્વર્ગમાંથી ઈશ્વરના રાજમાં તેમણે તે પ્રમાણે વર્તન કર્યું તેઓ એ ઘર માલિક કે જે તેના ભંડારમાંથી જૂની અને નવી બંને વસ્તુઓને બહાર કાઢે છે તેના જેવા છે."

53 જ્યારે ઈસુ તે ઉદાહરણો કહી રહ્યા, ત્યારે શિષ્યોને લઇને તે પ્રદેશમાંથી ચાલ્યા ગયા. 54 પછી તેઓ નાસરેથ નગર કે જે ઈસુનું વતન હતું તેમાં ગયા. વિશ્રામવારના દિવસે તેઓ લોકોને સભાસ્થાનમાં શીખવવા લાગ્યા. તેના પરિણામે, લોકો આશ્ચર્યચકિત થયા. પરંતુ કેટલાંકે કહ્યું, "આ માણસ આપણા જેવી સામાન્ય વ્યક્તિ છે! તેથી તે આટલું બધું જાણે અને સમજે તે કેવી રીતે શક્ય છે? અને કેવી રીતે તે આટલા બધા ચમત્કાર કરી શકે? 55 તે તો માત્ર સુથારનો દીકરો છે, શું તે નથી? મરિયમ તેમની માતા, અને તેમના નાના ભાઈઓ યાકૂબ, યૂસફ, સિમોન અને યહૂદા છે! 56 અને તેમની બહેનો પણ અહીં આપણા શહેરમાં રહે છે. તેથી કેવી રીતે તેઓ આવું શીખવી શકે અને આ સર્વ બાબતો કરી શકે?" 57 ઈસુ પાસે તે અધિકાર છે તેવું તે લોકોએ સ્વીકારવાનો નકાર કર્યો. તેથી ઈસુએ તેઓને કહ્યું, "લોકો મને માન આપે છે અને બીજા પ્રબોધકો અન્યત્ર બધે માન પામે છે, પરંતુ આપણા પોતાના વતનમાં આપણે માન પામતા નથી, અને આપણું પોતાનું કુટુંબ પણ આપણને માન આપતું નથી!" 58 ઈસુએ ત્યાં ઘણા ચમત્કારો કર્યા નહીં કેમ કે ઈસુ પાસે એવો અધિકાર છે તેવો વિશ્વાસ લોકોએ કર્યો નહિ.