17

1 ઈસુએ તે કહ્યું તેના અઠવાડિયા પછી, તેઓ પિતર, યાકૂબ અને યોહાન, કે જે યાકૂબનો નાનો ભાઈ હતો તેમને લઈને ઊંચા પર્વત પર ગયા કે જ્યાં તેઓ બીજા લોકોથી દૂર હતા. 2 જ્યારે તેઓ ત્યાં હતા, ત્યારે ત્રણ શિષ્યોએ ઈસુના સ્વરૂપનું પરિવર્તન થતું જોયું. તેમનો ચહેરો સૂર્યના જેવો પ્રકાશતો હતો, અને તેમનાં વસ્ત્રો ચમકતાં હતાં અને તેઓ પ્રકાશના જેવા તેજસ્વી બન્યા. 3 અચાનક મૂસા અને એલિયા, કે જેઓ ઘણાં સમય અગાઉના મહત્વપૂર્ણ પ્રબોધકો હતા, તેઓ દેખાયા અને ઈસુની સાથે વાત કરવા લાગ્યા. 4 પિતરે તેઓને જોયા અને ઈસુને કહ્યું, "પ્રભુ, આપણા માટે અહીં રહેવું ઉત્તમ છે! જો તમે ઇચ્છો, તો હું ત્રણ માંડવા બાંધીશ, એક તમારા માટે, એક મૂસા માટે, અને એક એલિયા માટે." 5 જ્યારે પિતર બોલતો હતો, ત્યારે એક તેજસ્વી વાદળું તેઓના પર આવ્યું. તેઓએ વાદળામાંથી ઈશ્વર ઈસુ વિષે જે બોલતા હતા તે સાંભળ્યું. તેઓએ તેમને કહ્યું, "આ મારો દીકરો છે. હું તેને પ્રેમ કરું છું. તે મને ખૂબ પ્રસન્ન કરે છે. તેથી તમારે તેનું સાંભળવું જોઈએ!" 6 જ્યારે ત્રણ શિષ્યોએ ઈશ્વરને બોલતા સાંભળ્યા, ત્યારે તેઓ બહુ બીધા. તેના પરિણામે, તેઓ ઊંધા મુખે જમીન પર પડ્યા. 7 પરંતુ ઈસુ તેમની પાસે ગયા અને તેમને સ્પર્શ કર્યો અને તેઓને કહ્યું, "ઊભા થાઓ! હવે ડરશો નહિ!" 8 અને જ્યારે તેઓએ ઊંચે જોયું, ત્યારે તેઓએ જોયું કે ઈસુ એકલા જ હજુ સુધી ત્યાં હતા.

9 જ્યારે તેઓ પર્વત પરથી નીચે ઊતરી રહ્યા હતા ત્યારે, ઈસુએ તેમને સૂચના આપી, "જ્યાં સુધી ઈશ્વર મને, માણસના દીકરાને, મારા મૃત્યુ પછી સજીવન ન કરે ત્યાં સુધી પર્વતની ટોચ પર તમે જે જોયું તે કોઈને પણ કહેશો નહિ." 10 તે ત્રણ શિષ્યોએ ઈસુને પૂછ્યું, "જો તમે કહો છો તે સાચું હોય, તો જે માણસો યહૂદી નિયમો શીખવે છે તેઓ શા માટે કહે છે કે મસીહના આવ્યા અગાઉ એલિયાનું આવવું અનિવાર્ય છે?" 11 ઈસુએ તેઓને જવાબ આપ્યો, "ઈશ્વરે વચન આપ્યું હતું કે એલિયા મસીહના આગમન વિષે ઘણા લોકોને તૈયાર કરવા માટે આવશે તે સાચું છે. 12 પરંતુ આ નોંધો: એલિયા તો આવી ચૂક્યો છે અને આપણા આગેવાનોએ તેને જોયો છે, પરંતુ તેઓએ તેને મસીહની અગાઉ આવનાર તરીકે ઓળખ્યો નહિ. તેના બદલે, તેમણે જેમ ઇચ્છ્યું તેમ જ, તેઓ તેની સાથે ખરાબ રીતે વર્ત્યા. અને તે જ શાસકો મારી સાથે એટલે કે જે સ્વર્ગમાંથી આવે છે તેની સાથે, પણ તેવી જ રીતે વર્તાવ કરશે." 13 પછી તે ત્રણ શિષ્યો સમજ્યા કે જ્યારે તેઓ એલિયા વિષે વાત કરતા હતા, ત્યારે ઈસુ યોહાન બાપ્તિસ્મી વિષે કહી રહ્યા હતા.

14 જ્યારે ઈસુ અને ત્રણ શિષ્યો બીજા શિષ્યો અને જે ટોળું ત્યાં એકઠું થયું હતું તેમની પાસે પાછા આવ્યા ત્યારે, એક માણસ ઈસુની પાસે આવ્યો અને તેમની આગળ ઘૂંટણે પડ્યો. 15 તેણે તેમને કહ્યું, "ગુરૂજી, મારા દીકરા પર દયા કરો અને તેને સાજો કરો! તેને વાઈની બીમારી છે અને ઘણું સહન કરે છે. આ બીમારીને કારણે, તે ઘણી વાર અગ્નિ અને પાણીમાં પડે છે. 16 હું તેને તમારા શિષ્યો પાસે લાવ્યો કે જેથી તેઓ તેને સાજો કરે, પરંતુ તેઓ તેને સાજો કરવા સક્ષમ ન હતા." 17 ઈસુએ જવાબ આપ્યો, "તમે આ સમયના લોકો, ઈશ્વરના સામર્થ્ય પર જરા પણ વિશ્વાસ કરતા નથી. તમે કેટલા ગૂંચવાયેલા છો! હું તમારી સાથે કેટલો સમય રહું કે જેથી હું જે કરું છું તે કરવા તમે સક્ષમ બનો? તે છોકરાને અહીં મારી પાસે લાવો!" 18 જ્યારે તેઓ તે છોકરાને ઈસુ પાસે લાવ્યા ત્યારે, ઈસુએ તે દુષ્ટાત્મા કે જે વાઈ ઉત્પન્ન કરતો હતો તેને સખત રીતે ધમકાવ્યો કે તે તે છોકરામાંથી બહાર આવે, અને તે સમયથી જ તે છોકરો સાજો થયો. 19 પછી, તેમના કેટલાક શિષ્યો ઈસુ પાસે આવ્યા અને જ્યારે તેઓ એકલા હતા ત્યારે તેમને પૂછ્યું, "કેમ અમે લોકો તે દુષ્ટાત્માને કાઢવા અસમર્થ હતા?" 20-21 તેમણે તેઓને જવાબ આપ્યો, "કારણ કે તમે ઈશ્વરના સામર્થ્ય પર સંપૂર્ણ વિશ્વાસ કર્યો નહીં: આના વિષે વિચાર કરો: રાઈનો દાણો ખૂબ નાનો હોય છે, પરંતુ તે વધે છે અને મોટો છોડ બને છે. તેવી જ રીતે, જો તમે થોડો પણ વિશ્વાસ કરો કે તમે જે ઈશ્વર પાસે માંગો છો તે તેઓ કરશે, તો તમે કંઈ પણ કરવા સમર્થ થશો! તમે આ પર્વતને પણ કહી શકશો, 'અહીંથી ત્યાં જા!' અને તમે તેને જ્યાં જવાનું કહ્યું ત્યાં તે જશે."

22 જ્યારે ગાલીલના જીલ્લામાં શિષ્યો ભેગા થયા હતા, ત્યારે ઈસુએ તેઓને કહ્યું, "કોઈ એક બહુ જલદી મને, માણસના દીકરાને, અધિકારીઓના હાથમાં સોંપશે. 23 તેઓ મને મારી નાખશે, પરંતુ મને મારી નાંખવામાં આવશે તેના પછી ત્રીજા દિવસે ઈશ્વર મને સજીવન કરશે." જ્યારે શિષ્યોએ તે સાંભળ્યું ત્યારે તેઓ ખૂબ દુઃખી થયા.

24 જ્યારે ઈસુ અને તેમના શિષ્યો કપર-નાહૂમ શહેરમાં આવ્યા, ત્યારે જે વ્યક્તિ ભક્તિસ્થાન માટે કર ઉઘરાવતો હતો તે પિતર પાસે આવ્યો અને તેને કહ્યું, "તારા ઉપદેશક ભક્તિસ્થાનનો કર ભરે છે કે નહિ?" 25 તેણે તેને જવાબ આપ્યો, "હા, તેઓ ભરે છે." જ્યારે શિષ્યો ઘરમાં આવ્યા, ત્યારે પિતર કશું કહે તે અગાઉ ઈસુએ તેને કહ્યું, "સિમોન, શાસકો કોની પાસેથી મહેસૂલ અથવા કર ઉઘરાવે છે? શું તેઓ પોતાના જ દેશના નાગરિક પાસેથી કર ઉઘરાવે છે, અથવા જે દેશ તેઓએ જીત્યો હોય તે દેશના નાગરિકો પાસેથી?" 26 પિતરે તેમને ઉત્તર આપ્યો, "બીજા દેશના નાગરિકો પાસેથી." પછી ઈસુએ તેને કહ્યું, "તેથી તેમના પોતાના દેશના લોકોને કર ભરવાની જરૂર નથી. 27 પરંતુ જા અને આપણા માટે કર ભર કે જેથી કર ઉઘરાવનારા આપણા પર ગુસ્સે થાય નહીં. તે ભરવા માટેનાં નાણાં પ્રાપ્ત કરવા, ગાલીલ સમુદ્રએ જા, ત્યાં માછલી પકડવાની દોરી અને કાંટો નાંખ, અને જે પ્રથમ માછલી તું પકડે તેને લે. જ્યારે તું તેનું મોં ખોલશે, ત્યારે તને ચાંદીનો સિક્કો મળશે જે તારા અને મારા માટે કર ભરવા માટે પૂરતો હશે. તે સિક્કો લે અને ભક્તિસ્થાનનો કર ઉઘરાવનારને આપ."