11

1 જ્યારે ઈસુ તેમના બાર શિષ્યોને તેઓએ શું કરવું તે વિશે સૂચનો આપી રહ્યા, ત્યારે તેમણે તેમને ઇઝરાયલનાં અનેક ગામોમાં મોકલ્યા. પછી તેઓ શિક્ષણ અને ઉપદેશ આપવા ઇઝરાયલના બીજા નગરોમાં ગયા.

2 જ્યારે યોહાન બાપ્તિસ્મી જેલમાં હતો, ત્યારે મસીહ જે કરતા હતા તે વિષે તેણે સાંભળ્યું. તેથી તેણે પોતાના કેટલાક શિષ્યોને તેમની પાસે મોકલ્યા 3 કે તેઓ તેમને પૂછે, "શું તમે તે જ મસીહ છો કે જેના વિશે પ્રબોધકોએ કહ્યું હતું કે તેઓ આવશે, અથવા શું તે બીજા કોઈ છે કે જેમના આવવાની રાહ અમે જોઈએ?" 4 ઈસુએ યોહાનના શિષ્યોને કહ્યું, "પાછા જાઓ અને હું લોકોને જે કહું છું અને મને જે કામો કરતાં તમે જુઓ છો તેનો અહેવાલ યોહાનને આપો. 5 હું અંધજનોને દેખતા કરું છું અને અપંગોને ચાલતા કરું છું. જે લોકોને રક્તપિત્ત હોય તેમને હું સાજા કરું છું. હું બહેરા લોકોને સાંભળતા કરું છું અને મરણ પામેલા લોકોને જીવતા કરું છું. હું ગરીબ લોકોને ઈશ્વરનો શુભ સંદેશ કહું છું. 6 વળી યોહાનને કહો કે હું જે કરું છું તે નાપસંદ હોવા છતાં જેઓ મારા પર વિશ્વાસ કરતાં અટકાતા નથી તેઓ પર પ્રભુ પ્રસન્ન છે."

7 જ્યારે યોહાનના શિષ્યો જતા રહ્યા, ત્યારે ઈસુ લોકોના ટોળા સાથે યોહાન વિશે વાત કરવા લાગ્યા. તેમણે તેઓને કહ્યું, "જ્યારે તમે અરણ્યમાં યોહાનને જોવા ગયા, ત્યારે તમે શું જોવાની આશા સાથે ગયા હતા? તમે પવનથી ડોલતા ઊંચા ઘાસને જોવા ગયા ન હતા, શું તમે તે જોવા ગયા હતા? 8 તેથી કેવા પ્રકારના માણસને જોવાની તમે અપેક્ષા રાખતા હતા? નિશ્ચે મોઘાં વસ્ત્રો પહેરેલા માણસને તો નહીં. ના! તમે સારી રીતે જાણો છો કે જે લોકો તેવાં વસ્ત્રો પહેરે છે તેઓ રાજાના મહેલમાં રહે છે અને અરણ્યમાં નહીં. 9 તેથી ખરેખર, કયા પ્રકારના માણસને જોવાની તમે અપેક્ષા રાખી હતી? પ્રબોધકને? અરે, હા! પરંતુ મને આ કહેવા દો: યોહાન માત્ર સામાન્ય પ્રબોધક ન હતો. 10 તે તો તે જ હતો કે જેના વિષે ઈશ્વરે ઉલ્લેખ કર્યો હતો, અને જેના વિશે કોઈએ શાસ્ત્રમાં લખ્યું અને કહ્યું હતું,
'નોંધ લો! હું મારા સંદેશવાહકને તમારી અગાઉ મોકલું છું કે તે તમારા આવવા સંબંધી લોકોને તૈયાર કરે.'

11 આની નોંધ લો: જે લોકો અગાઉ જીવી ગયા છે તેઓમાં, ઈશ્વર કોઈને પણ યોહાન બાપ્તિસ્મી કરતા મોટો ગણતા નથી. જ્યારે ઈશ્વર સ્વર્ગમાંથી રાજ કરશે ત્યારે જે તેમના રાજ્યમાં ખૂબ ઓછા મહત્વનો છે તે પણ યોહાન કરતાં મોટો હશે. 12 જ્યારથી યોહાન બાપ્તિસ્મી ઉપદેશ આપવા લાગ્યો ત્યારથી અત્યાર સુધી, કેટલાક લોકો પોતાની રીતે ઈશ્વરને સ્વર્ગમાંથી તેમની પોતાની રીતે રાજ કરાવવા પ્રયત્ન કરે છે, અને આ હેતુને માટે તેઓ ઘણું બળ વાપરે છે. 13 હું યોહાન વિશે જે સર્વ કહું છું તે તો પ્રબોધકોએ જે લખ્યું છે તેમાં અને યોહાન બાપ્તિસ્મીના સમય સુધીના નિયમશાસ્ત્રમાં તમે વાંચી શકો છો. 14 એટલું જ નહીં, પરંતુ જો તમે આ સમજવા માટે તૈયાર હશો, તો હું તમને કહીશ કે ખરેખર તો યોહાન ભવિષ્યમાં આવનાર પ્રબોધક, બીજો એલિયા છે. 15 જો તમે આ સમજવા ઇચ્છતા હો, તો મેં હમણાં જે કહ્યું તે વિશે તમારે ધ્યાનથી વિચારવું જ જોઈએ.

16 પરંતુ તમે અને બીજા લોકો કે જેઓ હમણાં જીવિત છો, તેઓ તો મેદાનમાં રમતાં બાળકો જેવા છો. તેઓમાંના અમુક તેમના મિત્રોને બોલાવે છે, 17 અને કહે છે, 'અમે તમારા માટે વાંસળી પર આનંદકારક સંગીત વગાડ્યું, પરંતુ તમે નાચવાની ના પાડી! પછી અમે તમારી માટે દફનનાં ગીતો ગાયાં, પરંતુ તમે રડવાની ના પાડી!' 18 હું તમને આ કહું છું કારણ કે તમે યોહાનથી અને મારાથી એમ બંનેથી અસંતુષ્ટ છો! જ્યારે યોહાને આવીને તમને ઉપદેશ આપ્યો, ત્યારે જેમ આપણામાંના ઘણા કરે છે તેમ તેણે સારો ખોરાક ખાધો નહીં અને દ્રાક્ષારસ પીધો નહીં. પરંતુ તમે તેને એમ કહીને નકાર્યો કે, 'એક દુષ્ટાત્મા તેનું નિયંત્રણ કરે છે!' 19 હું, માણસનો દીકરો, યોહાન જેવો નથી. હું જેમ બીજા લોકો ખોરાક ખાય છે અને દ્રાક્ષારસ પીવે છે તે પ્રમાણે ખોરાક ખાઉં છું અને દ્રાક્ષારસ પીઉં છું. પરંતુ તમે મારો પણ ઇન્કાર કર્યો અને કહ્યું, 'જુઓ! આ માણસ ઘણું ખાય છે અને ઘણો દ્રાક્ષારસ પીવે છે, અને તે કર ઉઘરાવનારનો અને બીજા પાપીઓનો મિત્ર છે!' પરંતુ જો કોઈ ખરેખર જ્ઞાની હોય તો તે તેનાં સારા કાર્યોથી પોતાને બતાવશે."

20 ઈસુએ તેમના મોટા ભાગના ચમત્કારો જે નગરોમાં કર્યા હતા, ત્યાંના લોકો હજુ પણ ઈશ્વર તરફ ફરવાની ના પાડતા હતા. તેથી તેઓએ તેમને આમ કહેતા ઠપકો આપ્યો, 21 "તમે લોકો કે જેઓ ખોરાજીનમાં રહો છો અને તમે જેઓ બેથસાઈદામાં રહો છો તેઓ, તમે કેટલી ભયંકર રીતે સહન કરશો! મેં તમારા શહેરોમાં મહાન ચમત્કારો કર્યા, પરંતુ તમે પાપ કરવાનું બંધ ન કર્યું. જો ઘણા સમય અગાઉ મેં તે ચમત્કારો તૂર અને સિદોનમાં કર્યા હોત, તો ત્યાંના દુષ્ટ લોકોએ ચોક્કસપણે પાપ કરવાનું બંધ કર્યું હોત; તેઓ શોકનાં વસ્ત્રો પહેરીને અગ્નિની ઠરેલી રાખમાં બેસે, એવી રીતે પસ્તાવો કર્યો હોત. 22 મને તમને આ કહેવા દો: ઈશ્વર તૂર અને સિદોનના દુષ્ટ લોકોને શિક્ષા કરશે, પરંતુ છેલ્લા દિવસે જ્યારે તેઓ સર્વ લોકોનો ન્યાય કરશે ત્યારે તેઓ તમને ઘણી જ ગંભીર રીતે શિક્ષા કરશે. 23 તમે જેઓ કપર-નાહૂમમાં રહો છો તેઓ, તમને પણ મારે કંઇક કહેવાનું છે. શું તમે એવું વિચારો છો કે બીજાઓ તમારી એટલી પ્રશંસા કરશે કે તમે સીધા જ સ્વર્ગમાં જાઓ? તેવું નહીં બને. તેનાથી વિરુદ્ધ, તમે તો સીધા જ નીચે કે જ્યાં ઈશ્વરે મરણ બાદ લોકોને શિક્ષા કરી હોય તે લોકો જ્યાં હોય છે ત્યાં જશો! જો ઘણા સમય અગાઉ મેં તેવા જ ચમત્કાર સદોમમાં કર્યા હોત, તો તે દુષ્ટ લોકોએ નક્કી પાપ કરવાનું બંધ કર્યું હોત, અને તેમનું શહેર અત્યારે પણ અહીં જ હોત. પરંતુ તમે પાપ કરવાનું બંધ કર્યું નહીં. 24 મારે તમને આ કહેવું છે: છેલ્લા દિવસે જ્યારે ઈશ્વર સર્વ લોકોનો ન્યાય કરશે ત્યારે સદોમમાં રહેનારા દુષ્ટ લોકોને શિક્ષા થશે, પરંતુ તેઓ તમને તેના કરતાં પણ વધારે સખત શિક્ષા કરશે."

25 તે સમયે ઈસુએ પ્રાર્થના કરી, "પિતા, તમે સ્વર્ગ અને પૃથ્વી પરની સર્વ બાબતો પર રાજ કરો છો. હું તમારો આભાર માનું છું કે જે લોકો પોતાને જ્ઞાની અને સુશિક્ષિત માને છે તેઓને આ વાતો જાણવાથી તમે અટકાવ્યા છે. તેના બદલે, જેવી રીતે મોટા જે કંઈ કહે તે નાનાં બાળકો સ્વીકારે છે, તેવા લોકોની આગળ તમે તે સત્ય પ્રગટ કર્યું છે. 26 હા, પિતા, તમે તે કર્યું છે કારણ કે તેમ કરવું તે તમને સારું લાગ્યું."

27 પછી ઈસુએ લોકોને કહ્યું, "ઈશ્વર, મારા પિતાએ, મારું કાર્ય કરવા માટે મારે જે જાણવાની જરૂર હતી તે પ્રગટ કર્યું છે. હું ખરેખર કોણ છું તે માત્ર મારા પિતા જાણે છે. વધુમાં, માત્ર હું અને તે લોકો કે જેઓની આગળ હું ઈશ્વરને પ્રગટ કરવા ચાહું તેઓ જ તેમને જાણી શકે છે. 28 તમે સર્વ કે જેઓ તમારા આગેવાનો જે નિયમો તમને પાળવા કહે છે તે પાળવાનો પ્રયત્ન કરીને થાકી ગયા છો તેઓ તમે, મારી પાસે આવો. તે સર્વથી હું તમને આરામ આપીશ. 29 જેમ બળદ તેની ઝૂંસરીને આધીન થાય છે, તેમ તમે મને આધીન થાઓ, અને મારે તમને જે શીખવવું છે તે તમે શીખો. હું કોમળ અને નમ્ર છું, અને તમે ખરેખર આરામ પામશો. 30 કારણ કે જે ઝૂંસરી હું આપું છું તે હલકી છે, અને તમે તે સહેલાઇથી ઉંચકી શકશો.