10
1
ઈસુએ તેમના બાર શિષ્યોને તેમની પાસે આવવા કહ્યું. પછી તેમણે તેઓને લોકોને નિયંત્રણ કરનારા દુષ્ટાત્માઓને કાઢવા માટે અઘિકાર આપ્યો. તેમણે તેઓને સર્વ પ્રકારની બીમારી અથવા જેઓ સર્વ રીતે માંદા હતા તેઓને સાજા કરવાને માટે સમર્થ કર્યા.
2
ઈસુએ જે બાર શિષ્યોને પ્રેરિતો કહ્યા તેઓની સૂચિ આ પ્રમાણે છે. તેઓ સિમોન, કે જેને તેમણે નવું નામ પિતર આપ્યું; આન્દ્રિયા, પિતરનો નાનો ભાઈ; ઝબદીનો દીકરો યાકૂબ; યોહાન, યાકૂબનો નાનો ભાઈ;
3
ફિલિપ; બર્થોલ્મી; થોમા; માથ્થી, જે દાણી હતો; અલ્ફીનો દીકરો યાકૂબ; થદી;
4
સિમોન ઝલોતસ; અને યહૂદા ઇશ્કરિયોત, કે જે વિશ્વાસઘાત કરનાર હતો, અને જેણે તેમને અધિકારીઓને પરસ્વાધીન કરવા નિર્દેશ કર્યો હતો.
5
જ્યારે ઈસુ તેમના બાર પ્રેરિતોને સર્વ જગ્યાએ લોકોને શુભ સંદેશ કહેવા માટે મોકલવાના હતા, ત્યારે તેમણે તેઓને આ સૂચનો આપ્યાં: "જ્યાં બિન-યહૂદીઓ રહેતા હોય ત્યાં અથવા જ્યાં સમરૂનીઓ રહેતા હોય ત્યાં જશો નહીં.
6
તેના બદલે, ઇઝરાયલના લોકો; કે જેઓ પાળક વિનાના ઘેટાં જેવા છે તેમની પાસે જાઓ.
7
જ્યારે તમે તેમની પાસે જાઓ, ત્યારે તેઓને જાહેર કરો કે ટૂંક સમયમાં ઈશ્વર સ્વર્ગમાંથી રાજ કરશે.
8
માંદાઓને સાજા કરો, મરણ પામેલાને જીવિત કરો, રક્તપિત્ત થયો હોય તેવા લોકોને સાજા કરો અને તેઓને સમાજમાં પાછા લાવો, અને જેઓને દુષ્ટાત્માએ તેમના નિયંત્રણમાં રાખ્યા હોય તેઓને મુક્ત કરો. લોકોને મદદ કરવા કોઈ નાણાં લેશો નહિ, કારણ કે ઈશ્વરે તમને મદદ કરવા કોઈ નાણાં લીધા નથી.
9
તમારી સાથે નાણાં લેશો નહિ,
10
અથવા કોઈ થેલી પણ રાખશો નહિ કે જેમાં તમારા નાણાં હોય. તમે જે વસ્ત્ર પહેરો છો તેના વગર કોઈ વધારાનું વસ્ત્ર ન લો, પગમાં પહેરવાના ચંપલ, કે લાકડી પણ ન લો. દરેક મજૂર જે લોકો માટે કામ કરે છે તે તેમની પાસેથી વેતન મેળવવા હક્કદાર છે, તેથી જે લોકો પાસે તમે જાઓ છો તેમની પાસેથી ભોજન મેળવવા તમે હક્કદાર છો.
11
જ્યારે તમે કોઈ ગામ કે નગરમાં પ્રવેશો ત્યારે જે વ્યક્તિ તમને ઘરમાં રાખવા ઇચ્છતી હોય તેવી વ્યક્તિને શોધો.
12
જ્યારે તમે તે ઘરમાં જાઓ, ત્યારે ઈશ્વરને વિનંતી કરો કે તેઓ જે લોકો તે ઘરમાં રહે છે તેઓનું ભલું કરે. જ્યાં સુધી તમે તે નગર કે ગામ ન છોડો ત્યાં સુધી તમે તે ઘરમાં રહો.
13
જો તે ઘરના લોકો તમારો સારી રીતે સ્વીકાર કરશે, તો ઈશ્વર ખરેખર તેઓનું ભલું કરશે. પરંતુ જો તેઓ તમારો સારી રીતે આવકાર નહિ કરે, તો તમારી પ્રાર્થના તેઓનું ભલું નહિ કરે, અને ઈશ્વર પણ તેઓનું ભલું નહિ કરે.
14
જો ઘર અથવા નગરમાં રહેતા કોઈ પણ લોકો તમને આવકારે નહિ, અને તમારો સંદેશ સાંભળે નહિ, તો તે સ્થળ છોડી દો. જ્યારે તમે તે જગ્યા છોડો, ત્યારે તમારા પગ પરની ધૂળ ખંખેરો. આ કરવા દ્વારા, તમે તેઓને ચેતવશો કે જેમ તેઓએ તમારો સંદેશ સ્વીકાર્યો નહિ તેમ ઈશ્વર પણ તેઓને સ્વીકારશે નહીં.
15
આ બાબતની ધ્યાનપૂર્વક નોંધ લો: ઈશ્વર સર્વ લોકોનો ન્યાય કરશે તે સમયે તેઓ સદોમ અને ગમોરામાં રહેતા દુષ્ટ લોકોને શિક્ષા કરશે. પરંતુ જો કોઈ શહેરના લોકો તમારો સ્વીકાર નહિ કરે, તો તેઓને તો ઈશ્વર વધારે સખત શિક્ષા કરશે.
16
"ધ્યાન આપો: હું તમને મોકલું છું ત્યારે તમે વરુઓ જેવા જોખમી લોકો મધ્યે સામનો ન કરી શકે તેવા ઘેટાં જેવા છો. તેથી સર્પની જેમ સાવધ રહો અને કબૂતરના જેવાં સાલસ થાઓ.
17
વળી, તેવા લોકોથી સાવધ રહો, કારણ કે તેઓ તમારી ધરપકડ કરશે અને તેઓ તમને ન્યાયસભાના સભ્યો સમક્ષ તપાસને માટે લઈ જશે. તેઓ તમને સભાસ્થાનમાંથી કાઢી મૂકશે.
18
અને તેઓ તમને રાજ્યપાલ અને રાજાઓ સમક્ષ તપાસ અને શિક્ષાને માટે લઈ જશે, કારણ કે તમે મારા છો. પરંતુ તે શાસકો અને અન્ય બિન-યહૂદીઓ સમક્ષ તમે મારા વિશે સાક્ષી આપશો.
19
જ્યારે તે લોકો તમારી ધરપકડ કરે, ત્યારે તમારે તેઓને શું કહેવું તે માટે ચિંતા ન કરો, કારણ કે જે શબ્દો તમારે બોલવા જોઈએ તે તમને મળશે.
20
તમે શું કહેશો તે તમારે નક્કી કરવાનું નથી. તેના બદલે, તમારા સ્વર્ગમાંના પિતાનો આત્મા તમને જે જણાવે તે જ તમે કહેશો.
21
તમે મારા પર વિશ્વાસ કરો છો તે કારણે તેઓ તમને મારી નાખવા માટે અધિકારીઓ પાસે લઈ જશે. ઉદાહરણ તરીકે, લોકો આવું પોતાના ભાઈઓને, અને પિતાઓ આવું પોતાના બાળકો સાથે કરશે. બાળકો પોતાના માબાપ વિરુદ્ધ બળવો કરશે અને તેઓને મારી નંખાવશે.
22
તમે મારા પર વિશ્વાસ કરો છો તે કારણે ઘણા લોકો તમને ધિક્કારશે. પરંતુ જે કોઈ મરણ સુધી મારા પર વિશ્વાસ રાખશે, તેવા લોકોને ઈશ્વર બચાવશે.
23
જ્યારે એક શહેરના લોકો તમને સતાવે, ત્યારે બીજા શહેરમાં નાસી જાઓ. આની નોંધ લો: જ્યારે તમે એક ગામથી બીજા ગામ એમ કરીને ઇઝરાયલના સર્વ નગરોમાં જઈને મારા વિશે કહેવાનું પૂરું કરો તે અગાઉ હું, માણસનો દીકરો, ચોક્કસપણે પૃથ્વી પર પાછો આવીશ.
24
શિષ્યએ ગુરુ કરતાં મહાન બનવાની અપેક્ષા રાખવી જોઈએ નહીં, અને નોકરો તેમના માલિક કરતા ચઢિયાતા નથી.
25
તમે એવી અપેક્ષા ન રાખો કે લોકોએ ગુરુ સાથે કર્યો તે કરતાં સારો વ્યવહાર શિષ્યો સાથે કરશે, અથવા માલિક સાથે કર્યો તે કરતાં સારો વ્યવહાર તેઓ તેમના નોકર સાથે કરશે. તેવી જ રીતે, લોકોએ મારી સાથે જેવું અયોગ્ય વર્તન કર્યું, તેવું જ અયોગ્ય વર્તન તેઓ તમારી સાથે પણ કરશે તેવી તમે અપેક્ષા રાખી શકો છો, કારણ કે હું તમારો ગુરુ અને માલિક છું. હું ઘરના આગેવાન જેવો છું, કે જેને તેઓએ શેતાન કહ્યો છે. જો તેઓ મારી સાથે ખરાબ વર્તન કરે, તો તમે શું ધારો છો કે તેઓ તમારી સાથે કેવી રીતે વર્તશે?"
26
"તે લોકોથી બીશો નહિ. જે સર્વ બાબતો ઢંકાયેલી છે તેને ઉઘાડી કરવામાં આવશે, અને સર્વ ગુપ્ત વાતો જાહેર કરવામાં આવશે.
27
માટે, ગભરાવાના બદલે, જેમ લોકો રાત્રે કરે છે તેમ, જે હું તમને ગુપ્ત રીતે કહું છું, તેને જેમ લોકો દિવસે કરે છે તેમ, જાહેરમાં કહો. જેમ લોકો તમને ધીમેથી ખાનગીમાં કહે છે તેમ જે હું તમને ગુપ્ત રીતે કહું છું, તેને લોકોમાં જાહેર કરો.
28
જે લોકો તમારા શરીરનો નાશ કરી શકે છે પણ તમારા આત્માનો નાશ કરવા અસમર્થ છે તે લોકોથી ગભરાશો નહીં. તેના બદલે, ઈશ્વરનો ભય રાખો, કારણ કે તેઓ તમારા શરીર અને આત્મા બંનેનો નર્કમાં નાશ કરવા સમર્થ છે.
29
ચકલીઓનો વિચાર કરો. તેઓની કિંમત એટલી ઓછી છે કે તમે એક નાના સિક્કાથી બે ચકલીઓને ખરીદી શકો છો. પરંતુ જ્યારે કોઈ ચકલી જમીન પર પડી મરણ પામે છે, ત્યારે ઈશ્વર, તમારા આકાશમાંના પિતા, તે જાણે છે, કારણ કે તેઓ સઘળું જાણે છે.
30
તેઓ તમારા વિશે પણ, સઘળું જાણે છે. તેઓ એ પણ જાણે છે કે તમારા માથા પર કેટલા વાળ છે!
31
ચકલીઓ કરતાં ઈશ્વર તમને ઘણા મૂલ્યવાન ગણે છે. તેથી, જે લોકો તમને મારી નાખવાની ધમકી આપે છે તેઓથી બીશો નહીં!
32
જો લોકો બીજાઓને એવું કહેવા રાજી છે કે તેઓ મારા છે, તો હું પણ મારા પિતા કે જેઓ સ્વર્ગમાં છે તેઓની આગળ સ્વીકારીશ કે તેઓ મારા છે.
33
પરંતુ જો તેઓ લોકોની આગળ એમ કહેતા ગભરાતા હોય કે તેઓ મારા છે, તો હું સ્વર્ગમાંના મારા પિતા આગળ કહીશ કે તેઓ મારા નથી."
34
"એમ ન વિચારશો કે લોકો પૃથ્વી પર શાંતિથી રહી શકે માટે હું આવ્યો છું. હું આવ્યો છું તે કારણે કેટલાક કે જેઓ મને અનુસરતા હશે તેઓ મરણ પામશે.
35
હું આવ્યો છું તે કારણે જે લોકો મારા પર વિશ્વાસ કરતા નથી તેઓ, મારા પર વિશ્વાસ કરનારાઓની વિરુદ્ધ થશે. ઉદાહરણ તરીકે, કેટલાક દીકરાઓ તેમના પિતાઓની વિરુદ્ધ થશે, કેટલીક દીકરીઓ તેમની માતાઓની વિરુદ્ધ થશે, અને કેટલીક પુત્રવધૂઓ તેમની સાસુઓની વિરુદ્ધ થશે.
36
એ બતાવે છે કે ઘણી વાર વ્યક્તિના દુશ્મન તેના પોતાના પરિવારના જ સભ્યો બનશે.
37
જો લોકો પોતાના પિતા અથવા માતાને મારા કરતા વિશેષ પ્રેમ કરે છે તો તેઓ પણ મારા માટે લાયક નથી. અને જે લોકો તેમના દીકરા કે દીકરીઓને મારા કરતા વિશેષ પ્રેમ કરે છે તો તેઓ મારા માટે લાયક નથી.
38
જો તમે મારા હોવાને લીધે મરણ પામવા તૈયાર નથી, તો તમે મારા માટે લાયક નથી.
39
મરણથી બચવા માટે જેઓ મારા પર વિશ્વાસ કરવાનો નકાર કરશે તેઓ ઈશ્વર સાથે સદાકાળ જીવશે નહીં, પરંતુ જેઓ મારા પરના તેઓના વિશ્વાસને લઈને પોતાનો જીવ ગુમાવવા તૈયાર હશે તેઓ ઈશ્વર સાથે સદાકાળ જીવશે."
40
"જે સર્વ તમારો આવકાર કરે છે તેઓ મને આવકારે છે એવું ઈશ્વર માને છે, અને જેઓ મને આવકારે છે તેઓ જેમણે મને મોકલ્યો છે તેમને આવકારે છે.
41
જેઓ જાણે છે કે કોઈ વ્યક્તિ પ્રબોધક છે અને તેથી તેને આવકારે છે તો ઈશ્વર તરફથી જે બદલો તે પ્રબોધકને મળવાનો છે તે જ બદલો આવકાર કરનારાઓને મળશે. તેવી જ રીતે, જેઓ જાણે છે કોઈ વ્યક્તિ ન્યાયી છે અને તેથી તેનો આવકાર કરે છે તો ઈશ્વર તરફથી જે બદલો તે ન્યાયી વ્યક્તિને મળવાનો છે તે જ બદલો આવકાર કરનારાઓને મળશે.
42
જો કે તમે મહત્વની વ્યક્તિ નથી તો પણ ધારો કે લોકો તમને તરસ્યા જૂએ અને તમે મારા શિષ્ય છો એમ જાણીને તમને ઠંડા પાણીનો પ્યાલો આપે, તો પ્રભુ એમ કરનારને ચોક્કસ બદલો આપશે."