9
1
ઈસુ અને તેમના શિષ્યો હોડીમાં ચઢ્યા. તેઓએ સરોવરમાં હોડી હંકારી અને જ્યાં તેમનો નિવાસ હતો તે કપર-નાહૂમ શહેરમાં ગયા.
2
કેટલાંક લોકો તેમની પાસે લકવાગ્રસ્ત માણસને લાવ્યા કે જે બિછાના પર સૂતો હતો. જ્યારે ઈસુએ જોયું કે તેઓ વિશ્વાસ કરે છે કે તેઓ તે લકવાગ્રસ્ત માણસને સાજો કરી શકે છે, ત્યારે તેમણે તેને કહ્યું, "જુવાન માણસ, હિંમત રાખ! મેં તારાં પાપ માફ કર્યાં છે."
3
લોકોમાંના ઘણા કે જેઓ યહૂદી નિયમો શીખવતા હતા તેઓએ પોતાના મનમાં કહ્યું, "આ માણસ વિચારે છે કે તે ઈશ્વર છે; તે પાપ માફ કરી શકે નહીં!"
4
ઈસુએ જાણ્યું કે તેઓ શું વિચારતા હતા, તેથી તેમણે કહ્યું, "તમારે દુષ્ટ વિચારો કરવા ન જોઈએ!
5
સહેલું શું છે, તેને એમ કહેવું કે તારાં પાપ માફ થયાં છે અથવા તેને એમ કહેવું કે ઊભો થા અને ચાલ?
6
તેથી હું કંઇક એવું કરીશ કે જેથી તમે જાણો કે ઈશ્વરે મને, માણસના દીકરાને, પાપ માફ કરવાનો અધિકાર આપ્યો છે." પછી તેમણે લકવાગ્રસ્ત માણસને કહ્યું, "ઊભો થા, તારું બિછાનું ઊંચકીને, ઘરે જા!"
7
તરત જ તે માણસ ઊભો થયો, પોતાનું બિછાનું ઉઠાવ્યું અને ઘરે ગયો!
8
જ્યારે ટોળાએ આ જોયું, ત્યારે તેઓ ગભરાયા. માણસોને એવો અધિકાર આપવા માટે તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી.
9
ઈસુ ત્યાંથી જતા હતા, ત્યારે જ તેમણે માથ્થી નામે એક માણસને જોયો. જ્યાં તે રોમન સરકાર માટે કર ઉઘરાવતો હતો ત્યાં તે મેજ પર બેઠો હતો. ઈસુએ તેને કહ્યું, "મારી સાથે આવ અને મારો શિષ્ય બન!"
10
ઈસુ અને તેમના શિષ્યો એક ઘરમાં જમવા માટે બેઠા. જ્યારે તેઓ જમતા હતા ત્યારે કર ઉઘરાવનારા ઘણા લોકો અને અન્ય લોકો આવ્યા અને તેઓની સાથે જમવા લાગ્યા.
11
જ્યારે ફરોશીઓએ તે જોયું, ત્યારે તેઓ શિષ્યો પાસે ગયા અને કહ્યું, "એ ઘૃણાસ્પદ છે કે તમારા ગુરુ કર ઉઘરાવનારા અને તેમના જેવા બીજા લોકો સાથે સંબંધ રાખે છે અને જમે છે."
12
તેઓ જે બોલતા હતા તે ઈસુએ સાંભળ્યું, તેથી તેઓએ તેમને આ ઉદાહરણ કહ્યું: "જે લોકો સાજા છે તેઓને વૈધની જરૂર નથી પરંતુ જે લોકો બીમાર છે તેઓને વૈધની જરૂર છે.
13
તમારે શીખવાની જરૂર છે કે ઈશ્વરે આ જે શબ્દો કહ્યા તેનો અર્થ શો થાય છે: 'હું ઇચ્છું છું કે તમે માત્ર બલિદાન ન આપો પણ લોકો સાથે ભલાઈથી વર્તો.' આ યાદ રાખો કે હું તમારી પાસે એટલા માટે નથી આવ્યો કે લોકો, જેઓ પોતાને ન્યાયી માને છે અને એવું માને છે કે તેઓને પાપથી પાછા ફરવાની જરૂર નથી તેઓને મારી પાસે બોલાવું, પરંતુ જેઓ જાણે છે કે તેઓ પાપી છે તેઓને આમંત્રણ આપવા આવ્યો છું."
14
પછી યોહાન બાપ્તિસ્મીના શિષ્યો ઈસુની પાસે આવ્યા અને તેઓને પૂછ્યું, "અમે અને ફરોશીઓ ઘણી વખત ઉપવાસ કરીએ છીએ કારણ કે અમે ઈશ્વરને પ્રસન્ન કરવા ઇચ્છીએ છીએ, પરંતુ તમારા શિષ્યો તેમ કરતા નથી. શા માટે તેઓ તેમ કરતા નથી?"
15
ઈસુએ જવાબ આપ્યો, "જ્યારે વરરાજા લગ્ન કરવાનો હોય છે ત્યારે તે તેના મિત્રો સાથે હોય છે, અને તેઓ શોક કરતા નથી, શું તેઓ કરે છે? ના, કારણ કે તેઓ તે સમયે ઉદાસ હોતા નથી. પરંતુ જ્યારે વરરાજાએ તેઓને છોડીને જવું પડશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે, કારણ કે તેઓ ઉદાસ હશે.
16
લોકો જૂના કાપડ પરના ફાટેલા ભાગને સાંધવા માટે જે સંકોચાયેલો ન હોય તેવો નવા કાપડના ટુકડો સીવતા નથી. જો તેઓ તેમ કરે, તો જ્યારે તેઓ તે કાપડને ધોશે, ત્યારે તે ટુકડો સંકોચાશે અને કાપડને ફાડી નાખશે, અને તે ફાટેલો ભાગ મોટો થશે.
17
કોઈ વ્યક્તિ દ્રાક્ષોના તાજા રસને જૂની મશકોમાં સંગ્રહ કરતી નથી. જો કોઈ તેમ કરે, તો જ્યારે તે રસનો દ્રાક્ષાસવ બનશે ત્યારે તે મશકો ફાટી જશે. તે મશકો નાશ પામશે, અને દ્રાક્ષાસવ જમીન પર ઢોળાશે. તેના બદલે, લોકો નવા દ્રાક્ષારસને નવી મશકોમાં ભરશે, અને જ્યારે દ્રાક્ષારસને આથો આવશે ત્યારે મશકો ફૂલશે. આ રીતે, દ્રાક્ષાસવ અને મશકો બંને સુરક્ષિત રહેશે.
18
ઈસુ તે કહેતા હતા તેવામાં તે શહેરમાંથી એક આગેવાન આવ્યો અને તેમની આગળ નમ્યો. પછી તેણે કહ્યું, "મારી દીકરી હમણાં જ મરણ પામી છે! પરંતુ જો તમે આવો અને તમારો હાથ તેના પર મૂકો, તો તે જીવતી થશે!"
19
તેથી ઈસુ ઊઠ્યા, અને તેઓ અને શિષ્યો તે વ્યક્તિ સાથે ગયા.
20
ત્યારે બાર વર્ષથી જેને રક્તસ્રાવ હતો તે સ્ત્રી ઈસુની નજીક આવી. તે તેમની પાછળ ગઇ અને તેમના વસ્ત્રની કિનારીને અડકી.
21
તે પોતાને કહેતી હતી, "જો હું તેમના વસ્ત્રની કિનારીને અડકું, તો હું સાજી થઇ જઈશ."
22
પછી તેમને કોણ અડક્યું તે જોવા માટે ઈસુ પાછળ ફર્યા. અને જ્યારે તેમણે તે સ્ત્રીને જોઈ, ત્યારે તેમણે તેને કહ્યું, "દીકરી, હિંમત રાખ. મેં તને સાજી કરી છે કારણ કે તેં વિશ્વાસ કર્યો કે હું તને સાજી કરી શકું છું."
23
ઈસુ તે આગેવાનના ઘરે ગયા અને વાંસળી વગાડનારા જેઓ દફનનું સંગીત વગાડતા હતા તેઓને જોયા; ત્યાં ઘણા શોક કરનારા હતા કે જેઓ મોટેથી આક્રંદ કરતા હતા કારણ કે તે છોકરી મરણ પામી હતી.
24
તેમણે તેઓને કહ્યું, "અહીંથી જાઓ અને આ દફનનું સંગીત અને આક્રંદ બંધ કરો, કારણ કે છોકરી મરણ નથી પામી! તે માત્ર ઊંઘે છે! લોકો તેમના પર હસ્યા કારણ કે તેઓ જાણતા હતા કે તે મરણ પામી છે.
25
પરંતુ ઈસુએ તેઓને ઘરની બહાર નીકળવા કહ્યું. પછી તેઓ જ્યાં તે છોકરી હતી તે ઓરડામાં ગયા. તેમણે તેનો હાથ પકડ્યો અને તે જીવતી થઈ અને ઊઠી.
26
અને તે પ્રદેશના સર્વ લોકોએ તે વિષે સાંભળ્યું.
27
જ્યારે ઈસુ ત્યાંથી ગયા, ત્યારે બે અંધ માણસો તેમની પાછળ ગયા અને બૂમ પાડી, "દાઉદ રાજાના વંશજ, અમારા પર દયા કરો અને અમને સાજા કરો!"
28
ઈસુ ઘરમાં ગયા, અને પછી અંધ માણસો પણ અંદર ગયા. ઈસુએ તેઓને કહ્યું, "શું તમે વિશ્વાસ કરો છો કે હું તમને સાજા કરી શકું છું?" તેઓએ તેમને કહ્યું, "હા, પ્રભુ!"
29
પછી તેઓ તેમની આંખોને સ્પર્શ્યા અને કહ્યું, "તમે વિશ્વાસ કરો છો કે હું તમારી આંખોને દેખતી કરી શકું છું, માટે હું તમને હમણાં જ સાજા કરું છું!"
30
અને તેઓ દેખતા થયા! પછી ઈસુએ તેઓને કડકાઈથી કહ્યું, "ધ્યાન રાખો કે મેં તમારી માટે જે કર્યું છે તે તમે કોઈને ન કહો!"
31
પરંતુ તેઓ બહાર ગયા અને આખા પ્રદેશમાં તે સમાચાર ફેલાવી દીધા.
32
જ્યારે તે બે માણસો બહાર આવતા હતા, ત્યારે જ એક માણસ કે જે બોલી શકતો ન હતો કારણ કે તે દુષ્ટાત્માના નિયંત્રણમાં હતો તેને કેટલાક લોકો ઈસુ પાસે લાવ્યા.
33
ઈસુએ દુષ્ટાત્માને કાઢ્યો પછી તે માણસ બોલવા લાગ્યો! ટોળાએ આ જોયું અને તેઓ આશ્ચર્ય પામ્યા અને બોલ્યા, "અમે અગાઉ કદી ઇઝરાયલમાં આવી અદ્દભૂત બાબતો બનતા જોઈ નથી!"
34
પરંતુ ફરોશીઓએ કહ્યું, "આ તો દુષ્ટાત્માઓનો રાજા શેતાન છે કે જે આ માણસને લોકોમાંથી દુષ્ટાત્માઓ ભગાવવા સમર્થ કરે છે."
35
પછી ઈસુ અને તેમના શિષ્યો ગાલીલ જીલ્લાના ઘણા શહેરો અને નગરોમાં થઈને ગયા. તેઓ સભાસ્થાનમાં શીખવતા અને ઈશ્વર કેવી રીતે સ્વર્ગમાંથી રાજ કરશે તે શુભ સંદેશ વિષે ઉપદેશ આપતા હતા. જેઓને અનેક રોગ અને માંદગી થયેલી હોય તેવા લોકોને પણ તેઓ સાજા કરતા હતા.
36
જ્યારે તેઓએ લોકોનાં ટોળાને જોયાં, ત્યારે તેઓને તેમના પર દયા આવી કારણ કે લોકો ઉદાસ અને ચિંતિત હતા. તેઓ ઘેટાંપાળક વિનાનાં ઘેટા જેવાં હતા.
37
પછી તેમણે શિષ્યોને કહ્યું: "જે લોકો મારો સંદેશ સ્વીકારવા તૈયાર છે, તેઓ એક ખેતર જેવા છે કે જે પાકની કાપણી માટે તૈયાર હોય. પરંતુ પાક એકત્ર કરી શકે તેટલા પૂરતા લોકો નથી.
38
તેથી પ્રાર્થના કરો અને માગો કે પ્રભુ ઈશ્વર ઘણા વધુ લોકો મોકલે કે જેઓ તેમનો પાક એકઠો કરે."