3

1 જ્યારે ઈસુ હજુ નાસરેથ નગરમાં હતા, ત્યારે યોહાન, જેને લોકો બાપ્તિસ્મી કહેતા હતા, તે યહૂદિયા પ્રાંતની ઉજ્જડ જગ્યાએ ગયો. જે લોકો તેની પાસે આવતા હતા તેમને તે ત્યાં ઉપદેશ આપતો હતો. તે કહેવા લાગ્યો, 2 "તમારે પાપ કરવાનું બંધ કરવું જોઈએ, કારણ કે સ્વર્ગમાંથી આવનારું ઈશ્વરનું રાજ નજીક છે, અને જો તમે પાપ કરવાનું ચાલુ રાખશો તો તેઓ તમને નકારશે." 3 જ્યારે યોહાન ઉપદેશ કરવા લાગ્યો, ત્યારે ઘણા સમય અગાઉ યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે સાચું ઠર્યું. તેણે કહ્યું હતું,

"અરણ્યમાં આવનાર લોકો પોકાર સાંભળે છે કે,

'ઈશ્વરના આગમન સમયે તેમનો સ્વીકાર કરવા તૈયાર રહો!

તેમના માટેની સર્વ તૈયારી કરો!'"

4 યોહાન ઊંટના રૂંવાંમાંથી બનેલાં ખરબચડાં કપડાં પહેરતો હતો. જેમ એલિયા પ્રબોધક ઘણાં સમય અગાઉ કરતો હતો, તેમ તે કમર પર ચામડાનો પટ્ટો પહેરતો હતો. તેનું ભોજન તો માત્ર અરણ્યમાં મળી આવતું તીડ અને મધ હતું. 5 યરુશાલેમ શહેરમાં રહેતા, યહૂદિયાના જીલ્લાના અન્ય સ્થળોમાં રહેતા અને યર્દન નદીની નજીક રહેતા બીજા ઘણા લોકો યોહાનનો ઉપદેશ સાંભળવા આવતા હતા. 6 તેને સાંભળ્યા પછી, તેઓ જાહેરમાં પોતાનાં પાપો કબૂલ કરતા, અને પછી તે તેઓને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપતો હતો.

7 પરંતુ યોહાને જોયું કે ઘણા ફરોશીઓ અને સદૂકીઓ પણ તેની પાસે બાપ્તિસ્મા પામવા આવતા હતા. તેણે તેઓને કહ્યું, "તમે લોકો ઝેરી સર્પોનાં બાળકો છો! જેઓ પાપ કરે છે તેઓ દરેકને એક દિવસ ઈશ્વર શિક્ષા કરશે તે વિષે કોઈએ તમને ચેતવ્યા નથી, શું ચેતવ્યા છે? એવું ના વિચારશો કે તમે તેઓથી બચી શકશો! 8 જો તમે ખરેખર પાપ કરવાનું બંધ કરો છો, તો તે દર્શાવવા જે સાચું છે તે કરો. 9 હું જાણું છું કે ઈશ્વરે ઇબ્રાહિમના વંશજોની સાથે રહેવાનું વચન આપ્યું. પરંતુ પોતાને એમ ના કહો, કે 'અમે ઇબ્રાહિમનાં સંતાન છીએ તેથી જો અમે પાપ કરીએ તો પણ ઈશ્વર અમને શિક્ષા નહિ કરે.' ના! હું તમને કહું છું કે તેઓ આ પથ્થરોને પણ ઇબ્રાહિમનાં સંતાનો બનાવી શકે છે! 10 જેમ માણસ વૃક્ષને સારા ફળ ન આવે તો તેને મૂળ સહિત કાપી નાંખે છે, તેમ જ ઈશ્વર હમણાં તમને શિક્ષા કરવા તૈયાર છે. તેઓ એવા તમામ વૃક્ષોને કાપીને અગ્નિમાં નાંખી દેશે."

11 "મારા પોતાના વિષે કહું તો હું મહત્વનો નથી, કારણ કે હું માત્ર પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું. જ્યારે લોકો પાપ કરવા બદલ ખેદિત થાય છે ત્યારે હું તે કરું છું. પરંતુ બીજા કોઈક જલદી આવશે કે જેઓ મહાન પરાક્રમી કામો કરશે. તેઓ મારા કરતાં એટલા મહાન છે, કે હું તેમનાં ચંપલ ઉંચકવાને લાયક નથી.

તેઓ પવિત્ર આત્મામાં અને અગ્નિમાં તમારું બાપ્તિસ્મા કરશે.

12 તેઓના હાથમાં સૂપડું છે, તેઓ સારા અનાજને નકામા ભુંસામાંથી છૂટું પાડવા તૈયાર છે. તેઓએ જ્યાં અનાજ ઝૂડ્યુ છે ત્યાંથી સર્વ નકામા ભૂસાને સાફ કરવા તેઓ તૈયાર છે. જેમ ખેડૂત તેના ઘઉંને તેની વખારોમાં ભરે છે, તેમ તેઓ ન્યાયી લોકોને ઘરે લઇ જશે; પરંતુ જેમ કોઈ ભુંસાને બાળે છે, તેમ તેઓ દુષ્ટ લોકોને કદી ન હોલવાતા અગ્નિમાં નાંખશે.

13 તે સમયે ઈસુ ગાલીલ જીલ્લામાંથી યર્દન નદીમાં યોહાન પાસે બાપ્તિસ્મા પામવા ગયા. 14 જ્યારે ઈસુએ યોહાનને તેમને બાપ્તિસ્મા આપવા માટે કહ્યું, ત્યારે યોહાને ના પાડી; તેણે કહ્યું, "તમે મને બાપ્તિસ્મા આપો તેની મને જરૂર છે! પરંતુ તમે પાપી નથી, તો તમે મારી પાસે કેમ આવ્યા છો?" 15 પરંતુ ઈસુએ તેને કહ્યું, "હમણાં મને બાપ્તિસ્મા આપ, કેમ કે આ જ રીતે આપણે બંને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરીશું." પછી યોહાન તેમને બાપ્તિસ્મા આપવા સંમત થયો.

16 ત્યારબાદ, તરત જ ઈસુ પાણીમાંથી બહાર આવ્યા. તે જ સમયે આકાશ ઊઘડી ગયું, અને ઈસુએ ઈશ્વરના આત્માને કબૂતરના રૂપમાં પોતા પર આવતાં અને વાસો કરતાં જોયો. 17 પછી ઈશ્વર સ્વર્ગમાંથી બોલ્યા અને કહ્યું, "આ મારો દીકરો છે. હું તેને પ્રેમ કરું છું, અને હું તેનાથી ખૂબ પ્રસન્ન છું."