25

1 સ્વર્ગમાંથી ઈશ્વરનું શાસન દસ કુમારિકાઓ જેઓ લગ્ન જમણમાં જવા માટે તૈયાર થઇ તેમની સાથે જે થયું તેના જેવું હશે. તેઓએ તેમના દીવા લઈને વરરાજાને આવવાની રાહ જોવાની હતી. 2 હવે તેઓમાંની પાંચ કુમારિકાઓ મૂર્ખી હતી, અને પાંચ સમજુ હતી. 3 મૂર્ખ કુમારિકાઓએ તેમના દીવા લીધા, પરંતુ તેઓએ તેમની માટે વધારાનું જૈતૂન તેલ લીધું નહિ. 4 પરંતુ સમજુ કુમારિકાઓએ તેમની સાથે બાટલીમાં તેમ જ તેમના દીવામાં તેલ લીધું. 5 વરરાજાને આવવામાં ઘણો સમય લાગી રહ્યો હતો, અને રાત્રે ઘણું મોડું થયું. તેથી બધી કુમારિકાઓને ઊંઘ આવવા લાગી અને તેઓ સૂઈ ગઈ. 6 મધ્યરાત્રે કોઈએ તેમને બુમ પાડીને ઉઠાડી કે, 'તે અહીં છે! વરરાજા આવી રહ્યા છે! તેમને મળવાને માટે બહાર જાઓ!' 7 તેથી બધી જ કુમારિકાઓ ઊઠી અને તેમના દીવા સળગાવ્યા. 8 મૂર્ખ કુમારિકાઓએ સમજુઓને કહ્યું, 'તમારું થોડું તેલ અમને આપો, કારણ કે અમારા દીવા હોલવાઈ જાય છે!' 9 સમજુ કુમારિકાઓએ ઉત્તર આપ્યો, 'ના, કારણ કે અમારા અને તમારા દીવાઓ માટે કદાચ પૂરતું તેલ નથી. વેચનારાઓ પાસે જાઓ અને તમારા માટે થોડું ખરીદી લો!' 10 પરંતુ જ્યારે મૂર્ખ કુમારિકાઓ તેલ ખરીદવા ગઈ, ત્યારે વરરાજા આવી પહોંચ્યા. પછી સમજુ કુમારિકાઓ, કે જેઓ તૈયાર હતી, તેઓ તેમની સાથે લગ્નખંડમાં ગઈ, કે જ્યાં કન્યા રાહ જોતી હતી. પછી બારણું બંધ થઇ ગયું. 11 પછી, બાકીની કુમારિકાઓ લગ્નખંડે આવી, અને તેઓએ વરરાજાને બોલાવ્યા, 'સાહેબ, અમારે માટે બારણું ખોલો!' 12 પરંતુ તેમણે તેઓને કહ્યું, 'સત્ય એ છે કે હું તમને જાણતો નથી, તેથી હું તમારે માટે બારણું ખોલીશ નહિ!'" 13 પછી ઈસુએ કહેવાનું ચાલુ રાખતાં કહ્યું, "તેથી, તમારી સાથે આવું ન બને તે માટે, તૈયાર રહો કારણ કે તે ક્યારે બનશે તે તમે જાણતા નથી."

14 જ્યારે માણસનો દીકરો સ્વર્ગમાંથી રાજા તરીકે પાછો ફરશે, ત્યારે તે એક માણસ જે લાંબી મુસાફરી પર જવાનો છે તેના જેવું હશે. તેણે તેના ચાકરોને એકઠા કર્યા અને તેમને દરેકને તેની સંપત્તિમાંથી થોડું રોકાણ કરવા અને તેના માટે વધુ નાણાં કમાવવા માટે આપ્યું. 15 તેણે તેમને તેઓની વાપરવાની ક્ષમતા પ્રમાણે નાણાં આપ્યાં. ઉદાહરણ તરીકે, તેણે એક ચાકરને લગભગ એકસો પાંસઠ કિલો વજનની સોનાની પાંચ થેલીઓ, બીજાને લગભગ છાસઠ કિલો વજનની સોનાની બે થેલીઓ, અને ત્રીજાને લગભગ તેત્રીસ કિલો વજનની સોનાની એક થેલી આપી. પછી તે તેની મુસાફરી માટે રવાના થયો. 16 જે ચાકરે પાંચ થેલી સોનું મેળવ્યું હતું તે તરત જ ગયો અને તે નાણાં બીજી પાંચ થેલી કમાવામાં વાપર્યા. 17 તેવી જ રીતે, જે ચાકરે બે થેલી સોનું મેળવ્યું હતું તેણે કમાઈને બીજી બે થેલી મેળવી. 18 પરંતુ જે ચાકરે એક થેલી સોનું મેળવ્યું હતું તે ગયો અને જમીનમાં ખાડો ખોદ્યો, અને તેને સાચવવા માટે તેણે તેને ત્યાં તે સોનું સંતાડી દીધું.

19 ઘણા સમય પછી તે ચાકરોનો માલિક પાછો ફર્યો. તેણે તેઓને તેમણે તેનાં નાણાંનું શું કર્યું તેનો હિસાબ લેવા માટે એકઠા કર્યા. 20 જે ચાકરે પાંચ થેલી સોનું મેળવ્યું હતું તે તેની પાસે દસ થેલી લાવ્યો અને તેને કહ્યું, 'માલિક, તેં મને પાંચ થેલી સોનું સાચવવા આપ્યું હતું. જુઓ, મેં બીજી પાંચ મેળવી છે!' 21 તેના માલિકે ઉત્તર આપ્યો, 'તું ઘણો સારો ચાકર છે! તું મને ઘણો વિશ્વાસુ રહ્યો છે. તેં થોડાં નાણાંનો ઘણો સારો વહીવટ કર્યો છે, તેથી હું તને ઘણી બાબતોની જવાબદારી સોંપીશ. આવ અને મારી સાથે ખુશ થા!'

22 જે ચાકરે બે થેલી સોનું મેળવ્યું હતુ તે પણ આવ્યો, અને તેણે કહ્યું, 'માલિક, તેં મને બે થેલી સોનું સાચવવા આપ્યું હતું. જુઓ, મેં બીજી બે મેળવી છે!' 23 તેના માલિકે ઉત્તર આપ્યો, 'તું ઘણો સારો ચાકર છે! તું મને ઘણો વિશ્વાસુ રહ્યો છે. તેં થોડા નાણાંનો ઘણો સારો વહીવટ કર્યો છે, તેથી હું તને ઘણી બાબતોની જવાબદારી સોંપીશ. આવ અને મારી સાથે ખુશ થા!'

24 પછી જે ચાકરે એક થેલી સોનું મેળવ્યું હતું તે આવ્યો, અને તેણે કહ્યું, 'માલિક, હું તારાથી ડરતો હતો. હું જાણતો હતો કે જેમ ખેડૂત તેણે કંઈ પણ રોપ્યું ન હોવા છતાં ખેતરમાં લણણી કરવાનો પ્રયત્ન કરે છે, તેમ તું એવો માણસ છે કે જો તેં કંઈ પણ રોકાણ ન કર્યું હોય તોપણ ઘણાં નાણાં મેળવવાની આશા રાખે છે. 25 હું ડરતો હતો કે જો તેં મને જે નાણાં રોકાણ કરવા આપ્યાં છે તે હું ખોઈ નાખીશ તો તું શું કરશે, તેથી મેં તેને જમીનમાં સંતાડ્યાં. તે હવે અહીં છે; મહેરબાની કરીને તે પાછા લે!' 26 તેના માલિકે ઉત્તર આપ્યો, 'તું દુષ્ટ, આળસુ ચાકર! તું જાણતો હતો કે હું કંઈ પણ રોકાણ ન કર્યા છતાં નાણાં મેળવવાની આશા રાખું છું. 27 તો પછી, તારે ઓછામાં ઓછુ મારા નાણાં પેઢીમાં થાપણ તરીકે મૂકવાં જોઈતાં હતાં, કે જેથી હું જ્યારે પાછો આવું ત્યારે તેને વ્યાજ સહિત પાછા મેળવી શક્યો હોત!' 28 પછી તેના માલિકે તેના બીજા ચાકરોને કહ્યું, 'તેની પાસેથી સોનાંની થેલી લઇ લો અને જે ચાકર પાસે દસ થેલી છે તેને આપો! 29 જેઓ તેમને જે મળ્યું છે તેનો સારો ઉપયોગ કરે છે, તેઓને ઈશ્વર વધારે આપશે, અને તેઓ પાસે પુષ્કળ હશે. પરંતુ જેઓ તેમણે જે મેળવ્યું છે તેનો સારો ઉપયોગ કરતા નથી તેઓ પાસેથી, તેમની પાસે જે છે તે પણ લઇ લેવાશે. 30 વધુમાં, તે નકામા ચાકરને, કે જ્યાં જેઓ આક્રંદ કરે છે અને પીડામાં તેમના દાંત પીસે છે ત્યાં બહાર અંધકારમાં ફેંકી દો.'"

31 "જ્યારે માણસનો દીકરો પોતાના તેજસ્વી પ્રકાશમાં ફરીથી આવશે અને તેમના સર્વ દૂતોને લાવશે, ત્યારે તે તેમના સિંહાસન પર રાજા તરીકે સૌનો ન્યાય કરવા બેસશે. 32 સર્વ લોકજૂથના દરેક તેમની આગળ એકઠાં થશે. પછી જેમ ઘેટાપાળક તેનાં ઘેટાંને તેનાં બકરાંથી અલગ પાડે છે, તેમ તેઓ લોકોને એકબીજાથી અલગ કરશે. 33 તેઓ ઘેટાં અને બકરાંની જેમ જ, ન્યાયી લોકોને તેમની જમણી બાજુ અને અન્યાયીઓને તેમની ડાબી બાજુ રાખશે."

34 પછી જેઓ તેમની જમણી તરફ છે તેઓને કહેશે, 'તમને લોકોને મારા પિતા દ્વારા આશીર્વાદિત કરવામાં આવ્યા છો, આવો! આવો અને જે બધી સારી બાબતો તેઓ તમને આપશે તે મેળવો, કેમ કે તેઓ હવે તમને તેના શાસનના આશીર્વાદ આપશે. 35 આ બાબતો તમારી છે, કારણ કે જ્યારે હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખાવા માટે આપ્યું. જ્યારે હું તરસ્યો હતો ત્યારે તમે મને પીવા માટે આપ્યું. જ્યારે હું તમારા શહેરમાં અજાણ્યો હતો, ત્યારે તમે મને તમારા ઘરોમાં રહેવા માટે આમંત્રણ આપ્યું. 36 જ્યારે મને કપડાંંની જરૂર હતી, ત્યારે મને કપડાંં આપ્યાં. જ્યારે હું બીમાર હતો, ત્યારે તમે મારી સંભાળ લીધી. જ્યારે હું જેલમાં હતો, ત્યારે તમે મારી મુલાકાતે આવ્યા.'

37 પછી જે લોકોને ઈશ્વરે સારા જાહેર કર્યા છે તેઓ કહેશે, 'પ્રભુ, તમે ક્યારે ભૂખ્યા હતા અને અમે ક્યારે તમને જોયા અને તમને ખાવા માટે આપ્યું? તમે ક્યારે તરસ્યા હતા અને તમને પીવા માટે આપ્યું? 38 તમે ક્યારે અમારા શહેરમાં અજાણ્યા હતા અને અમે તમને અમારાં ઘરોમાં રાખ્યા? તમને ક્યારે કપડાંની જરૂર હતી અને અમે તમને વસ્ત્રો આપ્યાં? 39 તમે ક્યારે બીમાર કે જેલમાં હતા અને અમે તમારી મુલાકાતે આવ્યા? તમારા માટે અમે આ કંઈ પણ કર્યું હોય તેવું અમને યાદ નથી.

40 રાજા ઉત્તર આપશે, 'સત્ય એ છે કે તમે તમારા સાથી વિશ્વાસીઓમાંના એક પણ માટે, સૌથી બિનમહત્વપૂર્ણ વ્યક્તિ માટે પણ, જે કંઈ કર્યું તે તમે સાચે જ મારે માટે કર્યું.'

41 પણ પછી જેઓ તેમની ડાબી તરફ હતા તેમને કહેશે, 'તમે લોકો જેઓને ઈશ્વરે શ્રાપ આપ્યો છે, મારાથી દૂર જાઓ! શેતાન અને તેના દૂતો માટે ઈશ્વરે જે અનંતકાલિક અગ્નિ તૈયાર કર્યો છે તેમાં જાઓ! 42 તમારે માટે ત્યાં જવું યોગ્ય છે, કારણ કે જ્યારે હું ભૂખ્યો હતો ત્યારે તમે મને કંઈ પણ ખાવા માટે આપ્યું નહિ. જ્યારે હું તરસ્યો હતો ત્યારે તમે મને કંઈ પણ પીવા માટે આપ્યું નહિ. 43 જ્યારે હું તમારા શહેરમાં અજાણ્યો હતો, ત્યારે તમે મને તમારા ઘરોમાં રહેવા માટે આમંત્રણ આપ્યું નહિ. જ્યારે મને કપડાંંની જરૂર હતી, ત્યારે મને કોઈ કપડાંં આપ્યા નહિ. જ્યારે હું બીમાર કે જેલમાં હતો ત્યારે તમે મારી સંભાળ લીધી નહિ.'

44 તેઓ કહેશે, 'પ્રભુ, તમે ક્યારે ભૂખ્યા કે તરસ્યા કે અજાણ્યા કે કપડાંની જરૂરિયાતમાં કે બીમાર કે જેલમાં હતા, અને અમે તમને મદદ ન કરી?'

45 તેઓ ઉત્તર આપશે, 'સત્ય એ છે કે જ્યારે પણ તમે મારા લોકોમાંના એકને, સૌથી સામાન્ય વ્યક્તિને પણ, મદદ કરવા કંઈ પણ કર્યું નહિ, તો તે હું હતો કે જેમના માટે તમે તે ન કર્યું.'

46 પછી મારી ડાબી તરફના લોકો ઈશ્વર તેમને સદાકાળને માટે જ્યાં શિક્ષા કરશે ત્યાં જશે, પરંતુ ઈશ્વરની નજરમાં સારા લોકો જ્યાં તેઓ સદાકાળને માટે ઈશ્વર સાથે જીવશે ત્યાં જશે."