19
1
તે કહ્યા પછી ઈસુ તેમના શિષ્યો સાથે ગાલીલના જીલ્લામાંથી વિદાય થયા. તેઓ યર્દન નદીની પૂર્વે આવેલા યહૂદિયાના જીલ્લામાં ગયા.
2
ત્યાં મોટાં ટોળા તેમની પાછળ ગયાં, અને તેમણે તેઓમાંના માંદાઓને સાજા કર્યાં.
3
કેટલાક ફરોશીઓ તેમની પાસે ગયા અને તેમને કહ્યું, "શું આપણો યહૂદી નિયમ પુરૂષને ગમે તે કારણોસર તેની પત્નીને છૂટાછેડા આપવા મંજૂરી આપે છે?" તેઓ તેમની સાથે વાદવિવાદ કરી શકે તે હેતુસર તેમણે તે પૂછ્યું.
4
ઈસુએ તેઓને કહ્યું, "તમે શાસ્ત્રવચન વાંચ્યું છે, તેથી તમે જાણતા હોવા જોઈએ કે જે સમયે ઈશ્વરે લોકોને ઉત્પન્ન કર્યા, ત્યારે 'તેમણે એક પુરુષ અને એક સ્ત્રીને બનાવ્યાં.'
5
તે સમજાવે છે કે ઈશ્વરે આવું શા માટે કહ્યું કે, 'તેથી જ પુરુષ તેના માતા-પિતાને છોડે છે અને તેની પત્ની સાથે લગ્ન કરે છે. જાણે કે તેઓ એક જ વ્યક્તિ હોય તેમ તેઓ બન્ને સાથે રહે.'
6
પરિણામે, જો કે અગાઉ તેઓ બે અલગ વ્યક્તિ તરીકે કામ કરતા હોય, તો પણ હવે તેઓ જાણે કે એક જ વ્યક્તિ હોય તેવાં બનશે. આ સાચું છે તે કારણે પુરુષે જેને ઈશ્વરે તેની સાથે જોડી છે તે તેની પત્નીથી ક્યારેય અલગ ન થવું."
7
પછી ફરોશીઓએ તેમને કહ્યું, "જો તે સાચું હોય, તો શા માટે મૂસાએ આદેશ આપ્યો કે જે પુરુષ તેની પત્નીને છૂટાછેડા આપવા માગતો હોય તેણે તેને જેમાં છૂટાછેડા આપવાનું કારણ લખ્યું હોય તે કાગળ આપવો અને પછી તેને મોકલી દેવી?"
8
ઈસુએ તેઓને કહ્યું, "મૂસાએ તેમને તેઓની પત્નીઓને છૂટાછેડા આપવા મંજૂરી આપી કારણ કે તમારા પૂર્વજોએ હઠીલાઈથી પોતાની રીતો પ્રમાણે કરવા ઇચ્છ્યું, અને તમે તેમનાથી કંઈ અલગ નથી. પરંતુ પ્રથમ જ્યારે ઈશ્વરે પુરુષ અને સ્ત્રીને ઉત્પન્ન કર્યા, ત્યારે તેમણે તેઓ એકબીજાથી જુદાં થાય તેવો ઇરાદો રાખ્યો ન હતો.
9
હું તમને દ્રઢતાપૂર્વક કહું છું કે જો કોઈપણ પુરુષની પત્નીએ વ્યભિચાર કર્યો ન હોય, અને તે પુરુષ તેની પત્નીને છૂટાછેડા આપીને બીજી સ્ત્રીને પરણે છે, તે વ્યભિચાર કરે છે તેવું ઈશ્વર ગણશે."
10
શિષ્યોએ તેમને કહ્યું, "જો તે સાચું હોય તો, પુરુષ ક્યારેય લગ્ન કરે નહિ તે સારું છે!"
11
તેમણે કહ્યું, "દરેક માણસ તે શિક્ષણ સ્વીકારવા સક્ષમ નથી, પરતું જે માણસને ઈશ્વર તે સ્વીકારવા સમર્થ બનાવે તે જ સક્ષમ છે.
12
એવા પુરુષો છે કે જેઓ લગ્ન કરતા નથી કારણ કે તેઓના ગુપ્ત ભાગો તેમના જન્મથી જ ખામીયુક્ત હોય છે. બીજા એવા પણ પુરુષો છે કે જેઓ લગ્ન કરતા નથી કારણ કે તેઓનું વંધ્યીકરણ કરવામાં આવેલું છે. પછી હજુ એવા પણ પુરુષો છે કે જેઓ સ્વર્ગમાંથી રાજ કરતા ઈશ્વરની વધુ સારી સેવા કરવા માટે લગ્ન ન કરવાનું નક્કી કરે છે. મેં જે લગ્ન વિષે કહ્યું તે તમે જેઓ સમજવા સક્ષમ છો તેમણે સ્વીકારવું અને પાળવું જોઈએ."
13
ત્યાર પછી કેટલાક નાના બાળકોને ઈસુ પાસે લાવવામાં આવ્યા કે જેથી તેઓ તેમના પર હાથ મૂકીને તેમના માટે પ્રાર્થના કરે. પરંતુ શિષ્યોએ લોકોને તેમ કરવા બદલ ધમકાવ્યા.
14
પરંતુ ઈસુએ કહ્યું, "બાળકોને મારી પાસે આવવા દો અને તેમને રોકશો નહિ! જે લોકો તેમના જેવા નમ્ર અને વિશ્વાસુ છે તેઓ સ્વર્ગમાંના ઈશ્વરના રાજ્યના છે."
15
ઈસુએ બાળકોને આશીર્વાદ આપવા પોતાના હાથ તેઓ પર મૂક્યા. ત્યાર પછી તેઓ તે સ્થળેથી ગયા.
16
જ્યારે ઈસુ ચાલી રહ્યા હતા, ત્યારે એક જુવાન માણસ તેમની પાસે આવ્યો અને તેમને કહ્યું, "ગુરુજી, ઈશ્વર સાથે સદાકાળ જીવવા માટે મારે કયાં સારાં કામો કરવાં જોઈએ?
17
ઈસુએ તેને કહ્યું, "સારું શું છે તે વિષે તું મને શા માટે પૂછે છે? માત્ર એક જ વ્યક્તિ સારી છે તે વ્યક્તિ સારું શું છે તે ખરેખર જાણે છે. તે વ્યક્તિ તો ઈશ્વર છે. પરંતુ ઈશ્વર સાથે સદાકાળ જીવવા માટેની ઇચ્છા વિષેના તારા પ્રશ્નનો જવાબ આપવા માટે, હું તને ઈશ્વરે મૂસાને આપેલી આજ્ઞાઓ પાળવા માટે કહું છું."
18
તે માણસે ઈસુને પૂછ્યું, "મારે કઈ આજ્ઞાઓ પાળવી જોઈએ?" ઈસુએ તેને જવાબ આપ્યો, "કોઈનું ખૂન ન કર, વ્યભિચાર ન કર, વસ્તુઓની ચોરી ન કર, ખોટી સાક્ષી ન આપ,
19
તારા માતાપિતાને માન આપ, અને તું તારા પર જેટલો પ્રેમ કરે છે તેટલો પ્રેમ દરેકને કર."
20
જુવાન માણસે ઈસુને કહ્યું, "તે બધી આજ્ઞાઓ મેં હંમેશાં પાળી છે. ઈશ્વર સાથે સદાકાળ જીવવા મારે બીજું શું કરવું જોઈએ?"
21
ઈસુએ તેને કહ્યું, "જો તું ઈશ્વર ઇચ્છે છે બરાબર તેવો જ બનવા ઇચ્છતો હોય, તો તું ઘરે જા, તારી પાસે જે છે તે બધું વેચી દે, અને તે નાણાં ગરીબ લોકોને આપ. તેનું પરિણામ એ હશે કે તું સ્વર્ગમાં ધનવાન બનશે. પછી આવ, મને અનુસર અને મારો શિષ્ય બની જા!"
22
જ્યારે જુવાન માણસે તે શબ્દો સાંભળ્યા, ત્યારે તે દુ:ખી થઈ ચાલ્યો ગયો, કારણ કે તે ખૂબ ધનવાન હતો અને જે સર્વ તેનું હતું તે આપી દેવા ઇચ્છતો ન હતો.
23
ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, "આ યાદ રાખો: ધનવાન લોકો માટે ઈશ્વરને તેમના જીવનો પર રાજ કરવા દેવું ઘણું મુશ્કેલ છે.
24
આ પણ નોંધો: ઊંટને સોયના નાકામાંથી પસાર થવું અશક્ય છે. ધનવાન લોકો ઈશ્વરના રાજ હેઠળ આવે તે તો તેના કરતાં પણ વધારે મુશ્કેલ છે."
25
જ્યારે શિષ્યોએ આ સાંભળ્યું, ત્યારે તેઓ ઘણાં વિસ્મિત થયા. તેઓ એવું વિચારતા હતા કે ધનવાન લોકો એવા લોકો છે કે જેને ઈશ્વર વધુ આશીર્વાદ આપે છે. તેથી તેઓએ ઈસુને કહ્યું, "જો એવું હોય, તો લાગે છે કે કોઈ બચી શકશે નહિ!"
26
પછી ઈસુએ તેમની તરફ ઉત્સુકતાપૂર્વક જોઈને કહ્યું, "હા, લોકો માટે તેમને પોતાને બચાવવા અશક્ય છે. પરંતુ ઈશ્વર તેમને બચાવી શકે છે, કારણ કે ઈશ્વર કંઈ પણ કરવા સમર્થ છે!"
27
પછી પિતરે તેઓને કહ્યું, "તમે જાણો છો કે અમે સર્વ તજી દીધું છે અને અમે તમારી પાછળ ચાલવા તમારા શિષ્યો બન્યા છીએ. તેથી તેમ કરવા બદલ અમને શો લાભ થશે?"
28
ઈસુએ તેઓને કહ્યું, "આ ધ્યાનમાં રાખો: તમને ઘણા લાભ થશે. જ્યારે ઈશ્વર નવી પૃથ્વી બનાવશે અને જ્યારે હું, માણસનો દીકરો, મારા મહિમામાં મારા રાજ્યાસન પર બેસીશ ત્યારે, તમારાંમાંના જેઓ મારી સાથે છે તેઓ દરેક રાજ્યાસન પર બેસશે, અને તમે ઇઝરાયલનાં બાર કુળોના લોકોનો ન્યાય કરશો.
29
જેઓએ મારા શિષ્યો હોવાને કારણે ઘર કે જમીનનો ટુકડો, પોતાના ભાઈઓ, પોતાની બહેનો, પોતાના પિતા, પોતાની માતા, પોતાનાં બાળકો, કે કુટુંબના કોઈપણ બીજા સભ્યને તજ્યા હશે તેઓને ઈશ્વર બદલો આપશે. ઈશ્વર તેઓને તેમણે જે તજ્યું હશે તેના કરતાં સો ઘણા વધારે લાભો આપશે અને તેઓ ઈશ્વર સાથે સદાકાળ માટે જીવશે.
30
પરંતુ ઘણા લોકો જેઓ હમણાં આ જીવનમાં ઘણા મહત્વપૂર્ણ છે તેઓ ભવિષ્યના તે સમયમાં બિનમહત્વપૂર્ણ થશે, અને ઘણા લોકો જેઓ હમણાં બિનમહત્વપૂર્ણ છે તેઓ ભવિષ્યના તે સમયમાં મહત્વપૂર્ણ થશે."